Seoul,તા.15
દક્ષિણ કોરિયામાં એક તબકકે માર્શલ-લો સ્થાપી પોતાની સતા કાયમ રાખવાનો પ્રયાસ કરનાર રાષ્ટ્રપતિ યુન સુક ઓલની એક હાઈવોલ્ટેજ ડ્રામા બાદ તેમની ધરપકડ માટે ગયેલી પોલીસને ભારે વિરોધનો સામનો કરવો પડયો હતો પણ અંતે ધરપકડ કરી હતી.
રાષ્ટ્રપતિ સામે દેશની સંસદમાં મહાભિયોગનો મુકદમો ચાલી રહ્યો છે. આજે સવારે સેકડો પોલીસ કર્મચારીઓ રાષ્ટ્રપતિના નિવાસે પહોચ્યા હતા. દેશની ભ્રષ્ટાચાર વિરોધી તપાસના વડાએ આ ધરપકડનો આદેશ આપતા 3000 જેટલા પોલીસ કર્મચારીઓએ આવાસની બહાર પડાવ નાખ્યો હતો પણ રાષ્ટ્રપતિના હજારો ટેકેદારો પણ અહી મોજૂદ હતા.
તેઓએ પોલીસ કામગીરીમાં અવરોધ પેદા કરતા બન્ને વચ્ચે ટકકર થઈ હતી પણ અંતે પોલીસે રાષ્ટ્રપતિ યુન સુક યોલની ધરપકડ કરી છે અને હવે તેઓને સલામત ‘જેલ’માં રખાશે. દક્ષિણ કોરિયાએ કોઈ સીટીંગ પ્રેસીડેન્ટની ધરપકડ થઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે અને હવે તેના પડઘા પર સૌની નજર છે.
યુને તા.3 ડિસેમ્બરે દેશમાં અચાનક જ માર્શલ લો જાહેર કરી સૌને આઘાત-આશ્ચર્યમાં મુકી દીધા હતા. જો કે સંસદ તથા સંસદ બહાર તેનો ભારે વિરોધ થતા થોડા જ કલાકોમાં તેઓને આ માર્શલ લો દૂર કરવો પડયો હતો પણ તે બાદ દેશની સંસદમાં રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ મુકદમો શરુ કરી તેમને પદ પરથી દુર કરવાની માંગણી સાથે મતદાન થયુ છે પણ હજુ દેશના બંધારણ મુજબની પ્રક્રિયા બાકી છે.
પોલીસે પ્રમુખના આવાસમાં પ્રવેશવા ઈમરજન્સી માર્ગનો ઉપયોગ કર્યો હતો અને બાદમાં મૂળ રાષ્ટ્રપતિએ એક વિડીયો સંદેશમાં તેઓ સાથેની કાર્યવાહીને ગેરકાનુની ગણાવી હતી અને તેઓ ખુદ તમામ અધિકારી સામે હાજર થઈ રહ્યા હોવાનો દાવો કર્યો હતો અને કોઈ તોફાન ન સર્જાય તેથી તેઓ આ નિર્ણય લઈ જવાનો દાવો કર્યો હતો.