દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે મહિલા મતદારોને આકર્ષિત કરવા માટે મહિલા સન્માન યોજના અને સંજીવની યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાની જાહેરાત પછી દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ તેમજ મહિલા કલ્યાણ વિભાગે એક નોટિસ બહાર પાડી છે. આ નોટિસની જાહેરાત દિલ્હીના અખબારોમાં કરવામાં આવી છે. આ જાહેરાતમાં એવું કહેવામાં આવ્યું છે કે આ બંને યોજના બાબતે દિલ્હી સ્વાસ્થ્ય વિભાગને કોઈ જાણકારી નથી. મહિલા અને બાળ વિકાસ વિભાગે પણ જાહેરાત આપી છે કે મહિલાઓ માટે આવી કોઈ યોજના જાહેર કરવામાં આવી નથી. આ બાબતે આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું છે કે, આ બંને યોજનાઓ ચૂંટણીમાં આપના વિજય પછી લાગુ કરવાની છે. આ યોજનાઓની જાહેરાત પછી ભાજપ ડરી ગયો છે અને એટલે દિલ્હીની પ્રજાને ગેરમાર્ગે દોરે છે.
સીટી રવિ સાથે કર્ણાટક સરકારે આતંકવાદી જેવું વર્તન કર્યું : ભાજપ
ભાજપ શાસિત વિવિધ રાજ્યોમાં વિરોધીઓ સાથે ભાજપ સરકારનું વલણ હંમેશા વિવાદાસ્પદ રહ્યું છે. ભાજપ સરકારો સામે વિપક્ષ હંમેશા એવી ફરિયાદો કરે છે કે, બનાવટી કેસ ઉભા કરીને ભાજપ એમના નેતાઓને આતંકવાદીઓની જેમ રંજાળે છે. હવે કર્ણાટકમાં ઉલટી ગંગા વહી છે. કર્ણાટક ભાજપના નેતા સીટી રવિએ મહિલા મંત્રી લક્ષ્મી હેબ્બાલકર માટે અપમાનજનક ભાષા વાપરતા કર્ણાટક પોલીસે એમની ધરપકડ કરી હતી. કર્ણાટક ભાજપના નેતાઓનું માનવું છે કે સીટી રવિની ધરપકડ પોલીસે એ રીતે કરી હતી કે જાણે તેઓ આતંકવાદી હોય. આ બાબતે ભાજપના નેતાઓ રાજ્યપાલને આવેદનપત્ર આપવા માટે પણ ગયા હતા. જોકે કર્ણાટકના રાજકીય નીરિક્ષકો કહી રહ્યા છે કે દેશ આખામાં ભાજપની સરકાર વિરોધીઓ સાથે આ પ્રકારનું વર્તન કરે છે ત્યારે ભાજપને અજૂગતુ લાગતું નથી.
10 વર્ષમાં ચીને ભારતની બે હજાર કિમી જમીન પચાવી : રેવંથ રેડ્ડી
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંથ રેડ્ડીની નજર ભારત – ચીન બોર્ડર પર છે. ચીને ભારતમાં કરેલી ગેરકાયદેસર ઘૂસણખોરી બાબતે રેડ્ડી ચિંતીત છે. રેડ્ડીએ કહ્યું છે કે, છેલ્લા ૧૦ વર્ષમાં ચીને ભારતની બે હજાર કિલોમીટર કરતા વધારે જમીન પચાવી પાડી છે, પરંતુ ડરપોક સરકાર આ બાબતે ચર્ચા કરવા પણ તૈયાર નથી. રેડ્ડીનું કહેવું છે કે, આપણે બધા પોતાના દૈનિક જીવનમાં વ્યસ્ત છીએ અને આપણી આજુબાજુ શુ થઈ રહ્યું છે એની ચિંતા કરતા નથી. રેડ્ડી રક્ષા સમિતીના ભૂતપૂર્વ સભ્ય રહી ચૂક્યા છે. રેડ્ડીએ એમ પણ કહ્યું કે ચીનની ઘૂસણખોરી ઉપરાંત મણીપુરની હિંસા તેમ જ ગેરકાયદેસર હથિયારોના ઉપયોગ બાબતે પણ સંસદમાં ચર્ચા થવી જોઈએ. કેન્દ્ર સરકાર પૂર્વત્તર રાજ્યમાં શાંતિ સ્થાપવામાં પણ નિષ્ફળ રહી છે.
બિહારમાં ભાજપના રાજકીય દાવપેચથી નિતિશકુમાર ચિંતિત
બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે બીજા રાજકીય પક્ષોની જેમ ભાજપએ પણ પોતાની રણનીતિ તૈયાર કરવા માંડી છે. બીજી તરફ મુખ્યમંત્રી નિતિશકુમારે પણ રાજકીય ચોકઠા ગોઠવવા માંડયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એવું નિવેદન કર્યું હતું કે, બિહારમાં એનડીએની જીત થશે તો મુખ્યમંત્રી કોણ બનશે એ કહી શકાય નહીં. નિતિશકુમાર એમ જ માને છે કે એનડીએએ એમને મુખ્યમંત્રી તરીકે સ્વિકારી લીધા છે. હવે અમિત શાહના નિવેદન પછી બિહારમાં એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, જો બિહારમાં ભાજપને વધુ બેઠક મળે તો નિતિશકુમારનું પત્તું કાપીને મહારાષ્ટ્રની જેમ બિહારમાં પણ ભાજપ પોતાનો મુખ્યમંત્રી બનાવી શકે છે. હજી ભાજપ અને નિતિશકુમાર વચ્ચે બેઠકોની વહેંચણી બાબતે ચર્ચા થઈ નથી, પરંતુ નિતિશકુમારની જેમ ભાજપ પણ જ્ઞાાતિવાદી સમીકરણોને પ્રાધાન્ય આપશે એમ મનાય છે.
લોકો મોંઘવારીથી ત્રસ્ત, સરકાર કુંભકર્ણની નિંદ્રામાં: રાહુલ ગાંધી
સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીએ એક વિડિયો મૂક્યો છે. ગીરીનગરમાં એક શાકભાજીની દુકાને રાહુલ ગાંધી ઉભા રહીને મહિલાઓ સાથે વાતચીત કરી રહ્યા છે. ખાધ્ય પ્રદાર્થોના ભાવમાં થયેલા તોતીંગ વધારાને કારણે પરેશાન મહિલાઓ રાહુલ ગાંધી સમક્ષ ફરિયાદ કરી રહી છે. રાહુલ ગાંધી અલગ અલગ સ્ટોલ પર જઈને વિવિધ શાકભાજીના ભાવ પૂછી રહ્યા છે. આ બાબતે રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘થોડા દિવસો પહેલા હું એક કરિયાણાના સ્ટોર પર ગયો હતો. કરિયાણાના સ્ટોરમાં લોકો ફક્ત સામાન ખરીદવા નથી આવતા, પરંતુ કરિયાણાના માલિક સાથે એમને ભાવનાત્મક સંબંધ પણ હોય છે. હવે ભાજપ સરકાર ક્વિક કોર્મસ બિઝનેસને પ્રોત્સાહન આપતી હોવાથી હજારો કરિયાણા સ્ટોર્સ બંધ થઈ રહ્યા છે. મોંઘવારી વધી રહી છે, પરંતુ ભાજપ સરકાર કુંભકર્ણની જેમ સુઈ રહી છે.’
મુંબઈ પોલીસ એકલદોકલ બાંગ્લાદેશીને પકડે છે
મુંબઈના વાશી અને ખારધર વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા ૧૦ બાંગ્લાદેશી નાગરીકોને પોલીસે પકડયા છે. આ બાબતે મુંબઈ પોલીસ ખૂબ જોરથી પ્રચાર કરી રહી છે. મુંબઈ પોલીસે પકડેલા બાંગ્લાદેશીઓ મજુરી કામ કરતા હતા. ભારતમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો રહી રહ્યા છે. મુંબઈમાં પણ લાખો બાંગ્લાદેશી ઘૂસણખોરો છે. સમયાંતરે પોલીસ એકલદોકલ બાંગ્લાદેશી નાગરીકની ધરપકડ કરીને મોટો વાઘ માર્યો હોય એવો દેખાવ કરે છે. પોલીસ અને સરકારને સમજણ પડતી નથી કે, લાખોની સંખ્યામાં ઘૂસેલા બાંગ્લાદેશીઓને શોધીને પરત કઈ રીતે કરવા.
ખુલ્લા બોરવેલ બાબતે સુપ્રીમના હુકમનું 14 વર્ષથી પાલન થતું નથી
દેશમાં ખુલ્લા બોરવેલમાં રમતા બાળકો પડી જવાની ઘટના વારંવાર બનતી રહે છે. ૨૦૧૦માં બનેલી આવી એક દુર્ઘટના પછી સુપ્રિમ કોર્ટે સમક્ષ એક અરજી કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે ત્યાર પછી દરેક રાજ્ય સરકારોને આદેશ આપ્યો હતો કે ખુલ્લા મુકાતા બોરવેલ સંબંધે યોગ્ય પગલા લે. જોકે દેશની રાજ્ય સરકારોએ સુપ્રિમ કોર્ટના આ હુકમને ગંભીરતાથી લીધો નથી. રાજ્ય સરકારોની બેદરકારીને કારણે ખુલ્લા બોરવેલને કારણે થતા અકસ્માતોની સંખ્યા વધી રહી છે. હમણા જ રાજસ્થાનના બહરોળ જિલ્લામાં ત્રણ વર્ષની બાળકી ચેતના ૧૫૦ ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. એજ રીતે ૯મી ડિસેમ્બરે રાજસ્થાનના જ દૌસા જિલ્લામાં પાંચ વર્ષનો આર્યન ૧૫૦ ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો જેને ૫૫ કલાકના બચાવ અભિયાન પછી બહાર કાઢવામાં આવ્યો ત્યારે એનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
ઈલોન મસ્કે ફરીથી વિકિપીડિયાને ખરીદવાની ઓફર કરી
ઈલોન મસ્કે ટ્વિટર ખરીદીને તેને એક્સ નામ આપ્યું છે. લગભગ એ જ અરસામાં મસ્કે વિકિપીડિયા ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મસ્ક વિકિપીડિયાની માહિતીની કાયમ ટીકા કરે છે. એ માને છે કે વિકિપીડિયા જે રીતે તમામને આર્ટિકલ એડિટ કરવાની છૂટ આપે છે તેનાથી એનું ધોરણ જળવાતું નથી. મસ્કે ટીખળમાં વિકિપીડિયાના નામમાં વી ને બદલે ડી અને કેને બદલે સીકે ઉમેરીને રમૂજી નામ આપવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે વિકિપીડિયા ઈચ્છે તો એ આ સંસ્થાને એક અબજ ડોલરમાં ખરીદી શકે છે. જોકે, વિકિપીડિયાએ પણ વળતો જવાબ આપીને કહ્યું હતું કે અમારી સંસ્થા વેચાઉ નથી.
કોંગ્રેસને જવાબ આપવા ભાજપ આંબેડકર સન્માન યાત્રા કાઢશે
ડૉ. બાબાસાહેબ આંબેડકરના મુદ્દે દેશભરમાં ચર્ચા જાગી છે. કોંગ્રેસે એક તરફ એ મુદ્દે ભાજપને ઘેરવા દેખાવોથી લઈને જુદા જુદા કાર્યક્રમો હાથ ધર્યા છે. તો બીજી તરફ ભાજપે પણ હવે કોંગ્રેસને જવાબ આપવા માટે આંબેડકર સન્માન યાત્રાની તૈયારી આરંભી દીધી છે. ભાજપે દિલ્હીથી આ સન્માન યાત્રા કાઢવાની જાહેરાત કરી છે. દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી છે. દિલ્હીમાં દલિત વોટબેંક ચાવીરૂપ ભૂમિકા ભજવે તેમ છે. તેના કારણે ભાજપે આ યાત્રા શરૂ કરવાનો વ્યૂહ ઘડયો છે. તે ઉપરાંત ભાજપે દેશના દરેક રાજ્યોમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને આંબેડકર મુદ્દે કોંગ્રેસની શું પોલિસી રહી છે અને કેવી યોજનાઓ જાહેર કરી છે અને આંબેડકરની મૂર્તિઓ બનાવીને સન્માન આપ્યું છે તે કહેવાનું શરૂ કર્યું છે.
સંસદીય પેનલને ગ્રામ્ય વિકાસની યોજનાઓમાં અવ્યવસ્થા જણાઈ
ગ્રામ્ય વિકાસ અને પંચાયતી રાજ અંગેની સ્થાઈ સમિતિને ગ્રામ્ય વિકાસની યોજનાઓમાં અવ્યવસ્થા અને દુરુપયોગ જણાયો છે. કમિટીએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. એમાં એવુંય જણાયું કે અમુક રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા ઘણાંએ પંચાયતી રાજ માટે જે ફંડ મળે છે એનો સંપૂર્ણ ઉપયોગ કર્યો ન હતો. સમિતિના મતે ગ્રામ્ય વિકાસની યોજનાઓમાં એવી પારદર્શકતા જોવા મળતી નથી. ઘણી વખત બિનજરૂરી કામમાં ફંડ આપી દેવામાં આવે છે અને જરૂરી કામ માટે ફંડ અપાતું નથી.
ઝારખંડમાં ભાજપને હજુ વિપક્ષના નેતા મળ્યા નથી
ઝારખંડમાં નવી સરકાર બની ગઈ એને એક મહિનો થયો. હેમંત સોરેનની સરકારે કેબિનેટ મંત્રીઓની જાહેરાત પણ કરી દીધી, પરંતુ ભાજપે હજુ સુધી વિપક્ષના નેતાના નામની જાહેરાત કરી નથી. ભાજપ સામે ત્યાં અસંતોષ થવાનો પડકાર છે. ભાજપમાં ઝારખંડમાં કેટલાય કેમ્પ છે. એમાંથી કોઈ એક નેતાને વિપક્ષના નેતા બનાવી દેવાથી બાકીના મોટા નેતાઓ નારાજ થાય તો શું કરવું તેનું મનોમંથન ચાલી રહ્યું છે. આદિવાસી નેતાની વિપક્ષના નેતા તરીકે પસંદ કરે તો બિનઆદિવાસી નેતાઓ અને મતદારો નારાજ થશે એવો ડર પણ ભાજપને સતાવી રહ્યો છે.