New Delhi,તા.16
દેશની સરકારી સહિતની બેન્કોમાં ધિરાણ લીધા બાદ નાણા નહી ભરનાર પાસેથી રીકવરીના પ્રયાસોમાં નિષ્ફળતા પરના બેન્કોએ લાંબાગાળે આ પ્રકારના ધિરાણને માંડવાળ કરવા પડે છે. જો કે વચગાળાની એક વ્યવસ્થા મુજબ બેડ બેન્ક ની રચના કરવામાં આવી છે.
જેમાં બેન્કો તેના નહી વસુલાતા ધિરાણ થોડા ડિસ્કાઉન્ટ સાથે આ બેડ-બેન્કોને વેચે છે અને આ રીતે તેના બેલેન્સશીટ કલીયર કરે છે. આ તમામ વચ્ચે પણ 2015થી 2024ના નાણાકીય વર્ષમાં બેન્કોએ રૂા.12.3 લાખ કરોડના ધિરાણ માંડવાળ કર્યા છે.
જેમાં રૂા.6.5 લાખ કરોડની રકમ તો જાહેર ક્ષેત્રની બેન્કોની છે. સંસદમાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, 2019ના નાણાકીય વર્ષમાં 2.4 લાખ કરોડના દેવા માંડવાળ કરવામાં આવ્યા હતા. જયારે 2024માં આ રકમ 1.7 લાખ કરોડની હતી.
બેન્કોનું કુલ ધિરાણ રૂા.165 લાખ કરોડનું 2023/24ના નાણાકીય વર્ષમાં રહ્યું છે. સંસદમાં નાણા રાજયમંત્રી શ્રી પંકજ ચૌધરીએ આપેલા જવાબમાં જણાવ્યું કે જાહેર ક્ષેત્રોની બેન્કોનું એનપીએ (નોન પર્ફોમીંગ એસેટસ) રૂા.16331 કરોડનું રહ્યુ છે.
જયારે ખાનગી ક્ષેત્રનું એનપીએ રૂા.134339 કરોડનું રહ્યું છે. સ્ટેટ બેન્ક જે દેશમાં બેન્કીંગ ક્ષેત્રમાં સૌથી વધુ હિસ્સો ધરાવે છે તેના દ્વારા 2015થી 2024ના નાણાકીય વર્ષમાં રૂા.2 લાખ કરોડનું ધિરાણ માંડવાળ થયુ છે. પંજાબ નેશનલ બેન્કે રૂા.94702 કરોડનું ધિરાણ માંડવાળ કર્યુ છે.