Mumbai, તા.7
ચાલકો છેલ્લા ઘણા સમયથી બોલીવુડના ત્રણ ખાનને એક સાથે જોવા માંગે છે. આ પહેલા પણ આ મુદ્દે ચર્ચાઓ થઈ હતી. ત્યારે હવે આ અંગે આમિર ખાને મોટું નિવેદન આપ્યું છે. તેઓ ટૂંક સમયમાં સાથે કામ કરતા જોવા મળી શકે છે. તેઓ બસ એક સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યા છે.
લાંબા સમયથી ચાહકો બોલિવુડના શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન તેમના ચાહકોને એકસાથે સ્ક્રીન પર જોવા માંગે છે. ત્યારે હાલમાં આમિર ખાને પોતાના એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાતચીત કરી છે.
આમિર ખાને જણાવ્યું કે, અંદાજે છ મહિના પહેલા શાહરૂખ, સલમાન અને હું સાથે હતા અને અમે આ વિશે વાત કરી હતી. હકીકતમાં મેં જ આ મુદ્દો ઉઠાવ્યો હતો. મેં શાહરૂખ અને સલમાનને કહ્યું હતું કે, જો આપણે ત્રણેય એક સાથે ફિલ્મ નહીં કરીએ તો ચાહકો દુ:ખી થશે.
વધુમાં આમિર ખાને કહ્યું કે, મને લાગે છે કે સલમાન ખાન અને શાહરૂખ ખાન આ અંગે માની ગયા છે. તેઓને પણ લાગ્યું કે, આપણે ચોક્કસ કરવું જોઈએ. જો કે આ માટે આપણને સારી વાર્તાની જરૂર છે. અમે સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યા છીએ. જોકે અમે ત્રણેય પણ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છીએ.