Vadodara,તા.16
: વડોદરાની કાસમઆલા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ હાલ જ્યુ. કસ્ટડી હેઠળ વડોદરાની સેન્ટ્રલ જેલમાં રહેલ 9 આરોપીઓને અલગ અલગ જેલોમાં ટ્રાન્સફર કરવાની અરજ કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલોમાં ખસેડવાનો હુકમ કર્યો છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કાસમઆલા ગેંગના 9 સભ્યો સામે GUJCTOC, 2015 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. શહેરમાં કાસમઆલા ગેંગ નામથી ઓર્ગેનાઈઝ ક્રાઈમ સિન્ડિકેટ ચાલતી હતી, આ ગેંગ ખંડણી, લૂંટ, હત્યાના પ્રયાસ જેવા ગુનાઓમાં સંડોવાયેલી હતી. પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી હતી. એક્ટિવ થયેલી આ ગેંગના સાગરિતો 17 વર્ષમાં 216 ગુના આચરી ચૂક્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે નામચીન ગુનેગાર અસલમ બોડીયાની બિચ્છુ ગેંગના 26 સાગરીતો સામે ગુજસીટોક હેઠળ વડોદરામાં પ્રથમ ગુનો નોંધ્યા બાદ કારેલીબાગના માથાભારે હુસેન સુન્ની અને તેની ગેંંગના 9 સભ્યો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં ધકેલ્યા હતા. હાલ તમામ વડોદરા સેન્ટ્રલ જેલમાં હોય સરકાર તરફે ધારાશાસ્ત્રી સ્પે.પી.પી. આર.એન. પંડ્યાની દલીલો થઈ હતી કે, આરોપીઓ “કાસમઆલા ગેંગ” ના સાગરીતો હોય તેઓએ મળીને લગભગ 93 ગુનાને અંજામ આપ્યો છે. આરોપીઓને એક જ જેલમાં રાખવામાં આવે તો અન્ય ગુનાઓનું આયોજન કરવું સરળ બને તેવી સંભાવના છે. આરોપીઓ હાર્ડકોર ક્રિમિનલ છે . કેદીઓની સલામતી અને સુરક્ષા રાજ્યની મુખ્ય જવાબદારી છે અને તેથી અન્ય કેદીઓના હિતમાં છે કે આરોપીઓને વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી રાજ્યની વિવિધ જેલોમાં ટ્રાન્સફર કરવામાં આવે, આરોપીઓ એક જ જેલમાં હોય તો ગેંગવોરની પણ શક્યતા છે. કોર્ટે નોંધ્યું હતું કે, આ પગલું ફક્ત કેદીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે જ નહીં પણ જેલમાં ગેંગ સંબંધિત હિંસાની સંભાવનાને અટકાવવા માટે પણ જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ સિક્લીગર ગેંગના સભ્યોને પણ રાજ્યની અલગ અલગ જેલમાં ટ્રાન્સફર કરાયા હતા