અરીસામાં જોઈને મને પણ ઘણી વાર ઉંમર વરતાય છે, પણ ચહેરા પરની કરચલીઓ સ્વીકારી લીધી છેઃ ડેમી
Mumbai, તા.૨૬
હોલિવૂડ સ્ટાર ડેમી મૂરને પીપલ મેગેઝિને ડેમી મૂરને વર્ષ ૨૦૨૫માં વિશ્વની સૌથી સુંદર વ્યક્તિનો ખિતાબ આપ્યો છે. ૬૨ વર્ષની હોલિવૂડ આઈકોન ડેમી મૂરને વધતી ઉંમરના બંધનો તોડીને મેગેઝિનના કવર પેજ પર ચમકાવવામાં આવી છે. આ કવર પેજમાં ડેમીની સુંદરતાની સાથે વધતી ઉંમર અને સેલ્ફ-એક્સેપટન્સ (સ્વ સ્વિકૃતિ)ની ઝલક જોવા મળે છે. મેગેઝિને ડેમીને વલ્ડ્ર્સ મોસ્ટ બ્યુટીફુલ પર્સન જાહેર કર્યા બાદ ડેમી પર પ્રશંસાઓ વરસી રહી છે. આ પ્રકારનું સન્માન મેળવનારી સૌથી વધુ ઉંમરલાયક વ્યક્તિ તરીકે ડેમીનું નામ નોંધાયું છે. સુંદરતા અને યુવાનીને એકબીજાના અભિન્ન અંગ ગણનારી માનસિકતાને ડેમીએ પડકારી છે. પીપલ મેગેઝિને આગામી અંકનું ડિજિટલ કવર જાહેર કર્યું છે જેમાં ડમી મૂર દેખાય છે. આ સાથે ડેમીનો ઈન્ટરવ્યૂ પણ પ્રકાશિત થયો છે, જેમાં ૬૨ વર્ષની ડેમીએ સુંદરતા, ઉંમર અને શરીરમાં ફેરફારને સ્વીકારવાની સમગ્ર સફર વિષે વાત કરી છે. ડેમી માટે આ સમય અત્યંત સફળ રહ્યો છે. ડેમીએ વર્ષો બાદ ‘ધ સબ્સ્ટેન્સ’ સાથે કમબેક કર્યું છે. આ ફિલ્મને ગોલ્ડન ગ્લોબ અને ઓસ્કારમાં નોમિનેશન મળ્યા હતા, જેના કારણે પહેલી કમબેક ફિલ્મ સાથે જ ડેમી ફરી લાઈમલાઈટમાં આવી ગઈ છે. હોલિવૂડમાં ટોચની એક્ટ્રેસ તરીકે નામ મેળવ્યા બાદ લાંબા સમયના બ્રેક અને ત્યાર પછીના કમબેક અંગે વાત કરતાં ડેમીએ કહ્યું હતું કે, આ સમગ્ર સફર ફુલ પ્રેગનન્સી જેવી રહી છે. તેમાં આનંદ અને નિરાશાની ક્ષણો હતી. એકંદરે આ સમયગાળો અને તેમાં મળેલો અનુભવ અસાધારણ છે. ઉંમર વધવાની સાથે વ્યક્તિને પોતાના શરીરમાં આવતાં ફેરફારો સ્વીકારવામાં તકલીફ પડે છે અને ઉંમરની અસર છુપાવવા જાત-જાતના અખતરા થતા હોય છે. ડેમીએ શરીર સાથે પોતાના સંબંધો અંગે કહ્યું હતું કે, શરીર જે તમામ અવસ્થામાંથી પસાર થયું છે, તેના માટે ભારોભાર અહોભાવ છે અને હાલની સ્થિતિ પણ મને ગમે છે. ક્યારેક અરીસામાં જોઈને લાગે છે કે, હું ઘરડી થઈ રહી છું. ચહેરા પર કરચલીઓ આવી રહી છે, પણ આજે હું જ્યાં છું, તેને મેં સ્વીકારી લીધું છે. હાલના મારા શરીર પરથી મારી ઓળખ અને મારા મૂલ્યોનું આકલન નથી થતું, તેવી મને ખબર છે. હોલિવૂડમાં શરૂઆતના દિવસો યાદ કરતાં ડેમીએ ચુસ્ત ડાયેટ અને આકરી એક્સરસાઈઝ પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, શારીરિક સુંદરતા માટે ઘણી અવાસ્તવિક અપેક્ષાઓ રહેતી હતી. જેના કારણે મારા શરીરને અનેક વાર સજાઓ આપેલી છે. આ પડાવે પહોંચ્યા પછી ડેમીની પ્રાથમિકતા સુંદર દેખાવાની નથી, પરંતુ સ્વસ્થ અને ખુશ રહેવાની છે. દીર્ઘાયુની સાથે ગુણવત્તાયુક્ત જીવનનું મહત્ત્વ સમજવું જરૂરી છે. આ સમજણ સાથે મારી પોતાની જાત પ્રત્યે હું વધારે સંવેદનશીલ બની છું.