ઇન્ડોનેશિયન હવામાન એજન્સી એ સ્પષ્ટતા કરી છે કે સુનામીનું કોઈ જોખમ નથી અને અત્યાર સુધી કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી
Indonesia, તા.૨૬
આજે બુધવારે સવારે ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી પ્રાંતમાં ૬.૧ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે ૬ઃ૫૫ વાગ્યે સમુદ્રમાં ૧૦ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપનો આંચકો અનુભવાતા જ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. ઇન્ડોનેશિયા સુનામી માટે સંવેદનશીલ વિસ્તાર હોવાને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, ઇન્ડોનેશિયન હવામાન એજન્સી એ સ્પષ્ટતા કરી છે કે સુનામીનું કોઈ જોખમ નથી અને અત્યાર સુધી કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી.અહેવાલ મુજબ ભૂકંપથીનુકસાન થયું નથી, પરંતુ ઇન્ડોનેશિયન અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે. ભૂકંપગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓને સતર્ક રહેવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી સલામતી સૂચનાઓનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.નોંધનીય છે કે, ઇન્ડોનેશિયા પ્રશાંત મહાસાગરના “રિંગ ઓફ ફાયર” પર સ્થિત છે. “રિંગ ઓફ ફાયર” પર આવેલા વિસ્તારોમાં અવારનવાર ભૂકંપ આવતા રહે છે. આ વિસ્તારમાં ટેક્ટોનિક પ્લેટો અથડાય છે, જેના પરિણામે ભૂકંપ અને જ્વાળામુખી ફાટી નીકળે છે.