New Delhi,તા.01
દર મહિનાની જેમ 1 માર્ચ 2025થી નિયમોમાં ફેરફાર આવી રહ્યા છે. આજથી એટલે કે 1લી માર્ચથી છ મુખ્ય નિયમો બદલાઈ રહ્યા છે. તેમાં UPI, મ્યુચ્યુઅલ ફંડથી લઈને LPG સિલિન્ડરની કિંમત સુધી બધું જ સામેલ છે. આ ફેરફારો તમારા બેંક ખાતાને સીધી અસર કરશે. એવામાં જાણીએ કે ક્યાં નિયમોમાં ફેરફાર થયો છે.
ઓઈલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. આ LPG સિલિન્ડરની કિંમતમાં 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે 1 ફેબ્રુઆરીએ તેની કિંમતમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ કિંમતો આજથી જ લાગુ થશે. ઘરેલું એલપીજીની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
જેટ ફ્યુઅલ અથવા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ની કિંમતમાં 0.23%નો નજીવો ઘટાડો થયો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં, માર્ચ 2025 માટે ATFની કિંમત 222 રૂપિયા પ્રતિ કિલોલિટર ઘટીને 95,311.72 રૂપિયા પ્રતિ કિલોલિટર થઈ ગઈ છે, જ્યારે પહેલા તે 95,533.72 રૂપિયા હતી. અગાઉ 1 ફેબ્રુઆરીએ કિંમતોમાં 5.6%નો વધારો થયો હતો.
આગામી ફેરફાર વીમા પ્રીમિયમ ચુકવણી સિસ્ટમ સાથે સંબંધિત છે. 1 માર્ચ, 2025થી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)માં ફેરફાર થવા જઇ રહ્યો છે, જે વીમા પ્રીમિયમની ચુકવણીને સરળ બનાવશે. UPI સિસ્ટમમાં Bima-ASB (એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ) નામની નવી સુવિધા ઉમેરવામાં આવી રહી છે. આના દ્વારા જીવન અને સ્વાસ્થ્ય વીમા પોલિસીધારકો તેમના પ્રીમિયમની ચુકવણી માટે અગાઉથી નાણા બ્લોક કરી શકશે. પોલિસી ધારકની મંજૂરી પછી, તમારા પૈસા આપમેળે ખાતામાંથી કપાઈ જશે.
આજથી એટલે કે 1લી માર્ચથી, મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતામાં નોમિની ઉમેરવા સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ હેઠળ, રોકાણકાર ડીમેટ અથવા મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોમાં વધુમાં વધુ 10 નોમિની ઉમેરી શકે છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ આ સંદર્ભમાં માર્ગદર્શિકા જારી કરી છે, જે 1 માર્ચ, 2025થી અમલી છે.
જો પંજાબ નેશનલ બેન્ક (PNB)માં 2 વર્ષથી વધુ સમય સુધી કોઈ ટ્રાન્ઝેક્શન નથી, તો બેન્ક ખાતું બંધ કરી શકાય છે. આ અંગે બેન્કે પોતાના ગ્રાહકોને એલર્ટ જાહેર કર્યું છે. બેન્ક આવા ખાતાઓને ડિ-એક્ટિવેટ કરી શકે છે . જો તમે ઈચ્છો છો કે તમારું બેન્ક એકાઉન્ટ એક્ટિવ રહે તો તમારે આ માટે KYC કરાવવું જોઈએ.