Vadodara,તા.૨૫
વડોદરાના ડભોઈના ગોપાલપુરા ગામ પાસે બોલેરો કાર અને બાઇક વચ્ચે થયેલી અકસ્માતમાં એક પોલીસ કર્મચારી સહિત ત્રણ લોકોના મોત થયા હતા. જેમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને એક વ્યક્તિનું સયાજી હોસ્પિટલમાં મોત થયું હતું.
વડોદરાના ડભોઈમાં અકસ્માત બાદ બોલેરો ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ત્રણ મિત્રો લગ્નમાં હાજરી આપવા માટે ક્વાંટ ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. મૃતક પોલીસ કર્મચારી મુકેશ સનાભાઈ રાઠવા કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. આ અકસ્માતમાં બે મિત્રો સુરેશ નરસિંહ રાઠવા અને હરેશ રામસિંહ રાઠવા ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. મુકેશ રાઠવાને સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. મૃતક સુરેશ રાઠવા અને હરીશ રાઠવા છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના કનાલવા ગામના રહેવાસી છે. આ બંને મિત્રોએ પીએસઆઇની પરીક્ષા આપી હોવાની માહિતી મળી રહી છે. હાલમાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
તાજેતરમાં ગોધરા વડોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર જણાના કરૂણ મોત નીપજ્યા હતા. ગોધરા વડોદરા હાઈવે પરની તૃપ્તિ હોટેલ નજીક આ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં પૂર ઝડપે આવી રહેલા ટ્રકે બાઈકને અડફેટે લીધી હતી. બાઈક પર સવાર ત્રણ બાળકી અને પિતાનું મોત નીપજ્યુ હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતનો ભોગ બનેલ પરિવાર ઘોઘંબાના બોર ગામે લગ્ન પ્રસંગમાં ગયો હતો.