Ahmedabad,તા.23
કાશ્મીરનાં પ્રવાસન સ્થળ પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓએ કરેલા હુમલામાં 28 લોકોના મોત નીપજયા છે. તેમાં ભાવનગરનાં બે સહીત ત્રણ ગુજરાતી મુસાફરોનો પણ સમાવેશ થાય છે. ભાવનગરમાં પિતા-પુત્રનો ભોગ લેવાયો છે. જેઓ 20 પ્રવાસીઓ સાથે કાશ્મીરના પ્રવાસે ગયા હતા.
પહેલાગામમાં મીની સ્વીટઝરલેન્ડ ગણાતા સ્પોટ પર ત્રાસવાદીઓએ મોતનું તાંડવ સર્જયુ હતું. આડેધડ ગોળીબાર કરીને 28 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. અચાનક અને અણધાર્યા હુમલાથી આઘાતમાં આવી ગયેલા પ્રવાસીઓએ નાસભાગ કરી મુકી હતી. કેટલાંક જંગલો તરફ ભાગ્યા હતા. ચોમેર ચીસો ચીચીયારીઓ હતી. ત્રાસવાદીઓએ નામ-ધર્મ પૂછીને ગોળીઓ ચલાવી હતી. ટારગેટ કીલીંગ જેવો ઘાટ હતો.
ત્રાસવાદીઓના આ હુમલામાં ભાવનગરનાં યતીશ સુધીરભાઈ પરમાર તથા તેમનાં પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું પણ મોત નિપજયુ હતું. તેઓ ભાવનગરનાં કાળીયાબીડમાં રહેતા હતા. સમગ્ર શહેરમાં અરેરાટી પ્રસરી છે આ સિવાય ભાવનગરનાં જ વિનુભાઈ ડાભી નામના પ્રવાસી ત્રાસવાદીઓની ગોળી વાગતાં ઘાયલ થયા હતા. તેઓ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.જયારે પત્નિ-પરિવારને શ્રીનગર રવાના કરી દેવામાં આવ્યા હતા.
ભાવનગર સિવાય સુરતનાં શૈલેષભાઈ હિંમતભાઈ કળથીયાનું પણ મોત નિપજયુ હતું. મૃતક બેંક મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. અને કાશ્મીરનાં પ્રવાસે હતા. પરિવારની હાજરીમાં તેમને ગોળી ધરબી દેવામાં આવી હતી.આઘાતજનક બાબત એ છે કે પહેલગામ હુમલાના ન્યુઝ ફેલાતા તેમના પિતરાઈએ ફોન કર્યો હતો અને તેમાં આ સમાચાર મળતા પરિવાર ભાંગી ગયો હતો.
ગુજરાતીઓ મોટી સંખ્યામાં કાશ્મીરનાં પ્રવાસે જતા હોય છે. હુમલા વખતે પણ સેંકડો ગુજરાતી કાશ્મીરમાં હોવાની શકયતાને ધ્યાને રાખીને ગુજરાત સરકાર પણ એકશનમાં આવી ગઈ હતી.રાજકોટ સહિત તમામ શહેર-જીલ્લામાં કંટ્રોલરૂમ શરૂ કરીને કાશ્મીરના પ્રવાસે ગુજરાતી લોકોની માહીતી એકત્રિત કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી હતી.