Gandhinagar, તા. 5
ગુજરાત વિધાનસભામાં રાજ્યની મેડિકલ કોલેજમાં M.D.(ડોક્ટર ઓફ મેડિસીન) અને M.S.(માસ્ટર ઓફ સર્જરી) ની કુલ સીટો અને છેલ્લા બે વર્ષમાં થયેલ વધારા સંદર્ભેના પ્રશ્નનો ઉત્તર આપતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ રાજ્યની મેડિકલ કોલેજોમાં M.D.ની 2,044 અને M.S.ની 932 સીટો ઉપલબ્ધ છે. છેલ્લા બે વર્ષમાં M.D.ની 446 અને M.S. ની 211 સીટો વધી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.
વડાપ્રધાન મોદીએ દેશના પ્રત્યેક જીલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત કરવાનો સંકલ્પ કર્યો છે જેને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર પૂર્ણ કરવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે. રાજ્યના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત થવાનું સ્વપ્ન પૂર્ણતાના આરે હોવાનું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતું.
મેડિકલ કોલેજમાં પી.જી. અનુસ્નાતક બેઠકોની વધું વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં NMC(નેશનલ મેડિકલ કમિશન) ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત P.G..(પોસ્ટ ગ્રેજ્યુએશન) ડિગ્રી (MD-3 વર્ષ) ની 2044, પી.જી. ડીગ્રી (MS-3 વર્ષ)ની 932, પી.જી. સુપર સ્પેશ્યાલીટી (DM/M.Ch. 3 વર્ષ) ની 124 અને પી.જી ડીપ્લોમાં (2 વર્ષ)ની 39 મળીને કુલ -3139 સીટો ઉપલબ્ધ છે.
DNB (ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ) સ્પેશ્યાલિટી (3 વર્ષ)ની 148, DNB સુપર સ્પેશ્યાલિટી (3 વર્ષ)ની 76 અને DNB ડિપ્લોમાં (2 વર્ષ)ની 58 બેઠકો મળીને કુલ -282 તેમજ CPS (કોલેજ ઓફ ફિઝીશીયન એન્ડ સર્જન ઇન મુંબઇ) ડિપ્લોમા (2 વર્ષ)ની કુલ-298 બેઠકો ઉપલબ્ધ છે. આમ કુલ મળીને રાજ્યમાં કુલ-3719 જેટલી અનુસ્નાતક અભ્યાસ માટેની બેઠકો ઉપલબ્ધ છે.