અમેરિકામાં ગેરકાયદે રહેતાં 104 ભારતીયોને લઈને અમેરિકન સૈન્યનું વિમાન Amritsar airport પર લેન્ડ

Share:

New Delhi,તા.05

અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને પાછા વતન મોકલવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે યુએસ મિલિટ્રી એરક્રાફ્ટ 104 ભારતીયોને અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર ઉતાર્યા છે. જેમાં 33 ગુજરાતીઓ સામેલ છે. પંજાબના 30 લોકો સામેલ છે. આ 104 ભારતીયોમાં 25 મહિલાઓ અને 13 સગીરો અને 72 પુરુષ છે. 33 ગુજરાતીઓને અમૃતસર ઍરપોર્ટ પર જ રાખવામાં આવશે, જ્યાંથી તેમને ગુજરાત મોકલવામાં આવશે.અમેરિકાએ ગેરકાયદે રહેતા હરિયાણા, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના રહેવાસીઓનો દેશ નિકાલ કરવાનો આદેશ આપ્યો હતો. આજે પરત મોકલવામાં આવેલા 104 ભારતીયોમાં 33 ગુજરાતના છે. જેમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના  12-12 લોકો પરત આવ્યા છે. જ્યારે સુરતના 4 અને અમદાવાદના 2 લોકો સામેલ હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા, ખેડા અને પાટણની 1-1 વ્યક્તિ પણ આ વિમાનમાં સામેલ હતા. પાછા આવેલા 104 ભારતીયોમાં પંજાબના 30, હરિયાણા અને ગુજરાતના 33-33 જ્યારે મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના 3-3, ચંડીગઢના 2 લોકો સામેલ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. 

અમેરિકન મિલિટ્રીનું સી-17 એરક્રાફ્ટ આ ભારતીયોને લઈ સેન એન્ટોનિયો, ટેક્સાસ ખાતેથી ભારતીય સમય અનુસાર પરોઢિયે ત્રણ કલાકે રવાના થયું  હતું અને લગભગ 24 કલાકે ભારત પહોંચે એવી ધારણા હતી. રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ અનુસાર પોલીસ, ફેડરલ એજન્સીની મદદથી શોધી કાઢવામાં આવેલા ગેરકાયદે વસવાટ કરતાં લોકોને ગ્વાતેમાળા, પેરુ, હોન્ડુરસ રવાના કરવામાં આવ્યા છે. અત્યાર સુધીના આ ઓપરેશનમાં પહેલી વખત ભારત જેવા દૂરના દેશોના ઘુસણખોરોને વતન મોકલવાની કવાયત હાથ ધરાઈ છે.

અમેરિકામાં ગેરકાયદે રહેતાં 104 ભારતીયોને લઈને અમેરિકન સૈન્યનું વિમાન અમૃતસર ઍરપોર્ટ પર લેન્ડ 2 - image

પંજાબ પોલીસે ઍરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. પંજાબના ડીજીપી ગૌરવ યાદવે ગઈકાલે જણાવ્યું હતું કે, અમે મુખ્યમંત્રી સાથે મળી આ મુદ્દે બેઠક યોજી ચર્ચા કરી હતી. તેમણે અમેરિકામાંથી દેશ નિકાલ કરાયેલા લોકોનો પ્રેમથી સ્વીકાર કરવા નિર્દેશ આપ્યો છે.

યુએસમાં 18000 ગેરકાયદે ભારતીય પ્રવાસી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન મોદીએ 27 જાન્યુઆરી, 2025ના રોજ ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં અમેરિકામાં ગેરકાયદે રહેતાં ભારતીયોને પરત વતન બોલાવવા નિર્ણય ભારતે લીધો હોવાનું જાણવા મળ્યું હતું. અંદાજ મુજબ, અમેરિકામાં આશરે 18000 ભારતીયો ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે. જેમને ભારત મોકલવામાં આવી રહ્યા છે. અમેરિકામાં વિવિધ દેશોના આશરે 7.25 લાખથી વધુ લોકો ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *