Mumbai,તા.14
ગુજરાત સહિતની દેશની સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં ખાસ કરીને મોટા શહેરોની મહાનગરપાલિકાઓ સહિત સિવિલ બોડી તરીકે ઓળખાતી વહીવટી પાંખ પાસે તેના ખુદના પુરતા નાણાકીય સ્ત્રોત નહી હોવાના કારણે તેની નાણાકીય સ્વતંત્રતા અને સ્વાયતતા તથા કામ કરવાની ક્ષમતા પર અસર થાય છે.
રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા એક રિપોર્ટમાં દેશમાં મ્યુનીસીપલ કોર્પોરેશનના માળખામાં મોટા ફેરફારની આવશ્યકતા દર્શાવતા અને ખાસ કરીને નાણાકીય સુધારાની જરૂરિયાત દર્શાવતા કહ્યું કે આ મહાપાલિકાઓ જે સેવા આપે છે તેમાં સુધારા વધારાની જરૂર છે અને તેની કલેકશન પદ્ધતિમાં પણ સુધારા અને જે કરચોરી થાય છે તે રોકવી જરૂરી છે.
મહાનગરપાલિકાઓ સામે તક અને પડકાર ખુદની આવક સર્જનનું મહત્વ તે ટાઈટલ સાથે રીઝર્વ બેન્કના રિપોર્ટમાં દેશની 232 મહાપાલિકાઓના ડેટા પરથી આ તારણ આપવામાં આવ્યુ હતું.
આ મહાપાલિકાઓ તેમના ખર્ચ વિકાસકામ અને સેવાની જાળવણી માટે મુખ્યત્વે સાથ સહકારની ગ્રાન્ટ પર જ આધારિત છે. તેમની પોતાની આવકના સ્ત્રોત એટલા પુરતા નથી કે તેના રોજીંદા ખર્ચ પણ ઉપાડી શકે જેના કારણે તેની નાણાકીય સ્વાયતતા-સ્વતંત્રતા પર જોખમ જેવી સ્થિતિ છે. જો કે આ મહાપાલિકાઓની આવક ખાસ કરીને મહેસુલી આવક 2014માં વાર્ષિક ધોરણે 20.1% વધશે. રૂા.1.7 લાખ કરોડ નોંધાઈ છે. જે 2022માં 1.37 લાખ કરોડ હતી.
જેમાં તેના ખુદના સ્ત્રોતથી આવકનું પ્રમાણ 61.9% છે જે પણ અગાઉના વર્ષ કરતા વધી છે. કોવિડકાળ સમયે મહાપાલિકાઓની આવક ઘટી હતી અને તે બાદમાં રાજય સરકાર કે કેન્દ્ર સરકારની તુલનાએ મહાપાલિકાના આવકના સ્ત્રોત મર્યાદીત રહ્યા છે.
જયારે તેમાં ખર્ચ વધી રહ્યા છે. એક સમયે ઓકટ્રોય જેવી આવક મહાપાલિકાનું રોજબરોજનું આવકનું મુખ્ય સ્ત્રોત હતું પણ ઓકટ્રોય નાબુદી બાદ તેના માટે આવકનું સૌથી મોટું સ્ત્રોત છીનવાઈ ગયુ છે.
રાજય સરકારે પણ ગ્રાન્ટ ટ્રાન્સફર કરવામાં જે રીતે એક માન્ય સીસ્ટમના બદલે અનેક રીતે કાર્ય કરે છે તે પણ તેની આવકના સમયસર મેળવવામાં વિધ્ન સર્જે છે.