Srinagar,તા.16
કાશ્મીરમાં છેલ્લા એકાદ મહિનાથી ત્રાસવાદી પ્રવૃતિ વધી ગઈ હોય તેમ આજે વધુ એક અથડામણ થઈ હતી અને તેમાં ભારતીય સૈન્યના કેપ્ટન રેન્કના એક અધિકારી સહિત પાંચ જવાનો શહિદ થયા હતા. આ ઘટનાથી કેન્દ્ર સરકાર સમસમી ગઈ છે.
સરકારી સૂત્રોના કહેવા પ્રમાણે ડોડાથી 55 કી.મી. દુર ડેસા વન ક્ષેત્રમાં ત્રાસવાદીઓ હોવાની બાતમીના આધારે રાષ્ટ્રીય રાઈફલ તથા જમ્મુ-કાશ્મીરની સ્પેશ્યલ પોલીસ ટીમ દ્વારા પીછો કરીને સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્રાસવાદીઓએ એકાએક ગોળીબાર શરૂ કરી દેતા સામસામી જોરદાર અથડામણ થઈ હતી.
ત્રાસવાદીઓએ નાસી જવાના પ્રયાસમાં અંધાધુંધ ગોળીબાર શરૂ કર્યો હતો. ભારતીય જવાનો દ્વારા પણ વળતો ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ અથડામણમાં સૈન્યના એક અધિકારી સહિત પાંચ જવાનો શહિદ થયા હતા. શહિદ થયેલા જવાનોમાં એક કેપ્ટન રેન્કના અધિકારી, ત્રણ સૈનિક અને એક પોલીસ જવાન સામેલ છે.
વ્હાઈટ નાઈટ કોર તરીકે જાણીતા 16 આર્મી કોર દ્વારા એમ જણાવવામાં આવ્યું છે કે ત્રાસવાદીઓ પાછળની અથડામણની માહિતીને પગલે સૈન્ય ટીમોને દોડાવવામાં આવી છે. સમગ્ર જંગલ વિસ્તારને ઘેરો નાંખીને મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
કાશ્મીર ટાઈગર્સ નામના ત્રાસવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે. આ પુર્વે પણ આ સંગઠને કઠુઆમાં સૈન્ય કાફલા પરના હુમલાની જવાબદારી લીધી હતી. આ સંગઠન જૈશ એ મહમ્મદનું પેટા સંગઠન હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ડોડામાં ત્રાસવાદી અથડામણને પગલે સમગ્ર જમ્મુ ક્ષેત્રમાં હાઈએલર્ટની ઘોષણા કરવામાં આવી છે. ડોડામાં એન્કાઉન્ટરમાં સામેલ ત્રાસવાદીઓને પકડવા માટે હેલીકોપ્ટર મારફત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં કોર્ડન કરીને મોટાપાયે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
આ અથડામણને પગલે કેન્દ્ર સરકાર પણ સમસમી ગઈ છે. પાંચ જવાનોની શહિદી વિશે સરકાર દ્વારા દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે અને ત્રાસવાદીઓના કોઈપણ ઈરાદાઓને સફળ નહી થવા દેવાનું એલાન કરવામાં આવ્યું છે.
ડોડામાં 34 દિવસમાં પાંચમી અથડામણ
જમ્મુ ડિવિઝન હેઠળ આવતા ડોડા જિલ્લામાં છેલ્લા 34 દિવસમાં ત્રાસવાદીઓ અને સૈન્ય વચ્ચે આ પાંચમી અથડામણ છે. આ પુર્વે 9 જુલાઈએ પણ ત્રાસવાદીઓ સાથે ઘર્ષણ થયું હતું. તે અગાઉ 26 જુને આતંકવાદીઓએ હુમલો કરતા અથડામણ થઈ હતી. આ સિવાય 11 અને 12 જુને પણ ત્રાસવાદી હુમલા થયા હતા અને ત્યારે સૈન્ય જવાનો સાથે અથડામણ થઈ હતી. 11 જૂને પઠાણકોટ માર્ગ પર સૈન્ય ચેકપોસ્ટ પર હુમલો થયો હતો તેમાં સેનાના છ જવાન ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી પણ કાશ્મીર ટાઈગર્સે લીધી હતી.
કાશ્મીર ટાઈગર્સે જવાબદારી લીધી
ડોડાના જંગલ વિસ્તારમાં ત્રાસવાદીઓ સાથેની અથડામણમાં એક અધિકારી સહિત પાંચ સૈન્ય જવાનો શહિદ થયા છે. આ અથડામણમાં સાત થી વધુ ત્રાસવાદીઓ હોવાના નિર્દેશ સાંપડયા છે. અથડામણની જવાબદારી કાશ્મીર ટાઈગર્સ નામના ત્રાસવાદી સંગઠને લીધી છે. આ સંગઠન જૈશ એ મહમ્મદનો જ એક ભાગ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અગાઉ પણ કાશ્મીર ટાઈગર્સ દ્વારા કાશ્મીરમા થયેલા હુમલાની જવાબદારી લેવામાં આવી હતી.