New Delhi તા.26
દેશમાં ચાલુ વર્ષે સારો અને સંતોષકારક વરસાદ થવા સાથે ખરીફ પાકનું મબલખ ઉત્પાદન હોવાથી આવતા મહિનાઓમાં ખાદ્યચીજોની મોંઘવારીમાં રાહત મળવાનો આશાવાદ કેન્દ્ર સરકારે દર્શાવ્યો છે.
કેન્દ્રીય નાણા મંત્રાલયનાં ઓકટોબર મહિનાના આર્થિક રિપોર્ટમાં એમ કહેવાયું છે કે, બમ્પર ખરીફ પાક વચ્ચે ખાદ્ય ફુગાવો નીચો આવી શકે છે. મોંઘવારી ઘટવાનું ચિત્ર ઉજળુ છે. સારો વરસાદ છતાં અત્યાર સુધી ફૂગાવો ઉંચો જ છે. ખાદ્યચીજોનાં ભાવો નીચા આવતા નથી એટલે લોકોમાં નારાજગી છે.ઓકટોબરનો ગ્રાહક ભાવાંક 6.2 ટકાએ રહ્યાનું ઉલ્લેખનીય છે.
રીપોર્ટમાં એમ કહેવાયું છે કે નવેમ્બર મહિનાથી ખાદ્યચીજોનાં ભાવો નીચા આવવા શરૂ થયા છે. જોકે વિવિધ દેશો વચ્ચે યુદ્ધ તથા ભૌગોલીક ટેન્શનને કારણે સપ્લાય ચેઈન પ્રભાવીત થઈ શકવાની તથા ભાવ મોરચે અસર થવાની શંકા વ્યકત કરવામાં આવી છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વ્યાજદરમાં ઘટાડો કરે તેવો સરકારનો આગ્રહ છે. પરંતુ કેન્દ્રીય બેંન્ક ફૂગાવો સંપૂર્ણ કાબુમાં ન આવે ત્યાં સુધી વ્યાજ ઘટાડવાનાં મૂડમાં મળી ગત સપ્તાહમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારામને પણ વ્યાજદર વ્યાજબી સ્તરે રાખવા બેંકોને સુચવ્યુ હતું. આ પૂર્વે વ્યાપાર પ્રધાન પિયુષ ગોયલ પણ અર્થતંત્રને વેગ આપવા માટે વ્યાજદર ઘટાડવાનું સુચવ્યુ હતું.
રિઝર્વ બેન્કનાં ગર્વનર શશીકાંત દાસ મોંઘવારીનું જોખમ ઉભુ હોવાનો દાવો કરી રહ્યા છે. વ્યાજદરમાં આગોતરો ઘટાડો કરાય તો આર્થિક સંતુલન બગડવાનું જોખમ રહેવાનું માને છે.