માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતાRahul Gandhiને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી

Share:

New Delhi,તા.20

માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર સ્ટે લગાવી દીધો છે. જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે કેસ રદ કરવાની માગ કરતી રાહુલ ગાંધીની અરજી પર ઝારખંડ સરકાર અને ફરિયાદી પાસેથી જવાબ પણ માગ્યો છે.

ફરિયાદ કોઈ ત્રીજા પક્ષ દ્વારા દાખલ કરવામાં આવી

સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ એ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે, ફરિયાદ કોઈ ત્રીજા પક્ષ દ્વારા દાખલ કરવામાં આવી હતી અને માનહાનિના ગુનાના કેસમાં આવું કરવું સ્વીકાર્ય નથી. સિંઘવીએ પૂછ્યું કે, જો તમે પીડિત વ્યક્તિ નથી તો ફરિયાદ નોંધાવવા માટે પ્રોક્સી કેવી રીતે મેળવી શકો છો? 

સુપ્રીમ કોર્ટે ઝારખંડ સરકાર અને નવીન ઝાને નોટિસ મોકલી

બીજી તરફ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટે ઝારખંડ સરકાર અને ફરિયાદી ભાજપ કાર્યકર નવીન ઝાને નોટિસ મોકલી છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ભાજપ નેતા નવીન ઝાએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધીએ 18 માર્ચ, 2018ના રોજ ભાજપની ટીકા કરતું ભાષણ આપ્યું હતું અને અમિત શાહ પર હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો અને તેમને ખુની કહ્યા હતા. શરૂઆતમાં રાંચીની મેજિસ્ટ્રેટ કોર્ટે ઝાની ફરિયાદ ફગાવી દીધી હતી, ત્યારબાદ તેમણે રાંચીમાં ન્યાયિક કમિશનર સમક્ષ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી.

15 સપ્ટેમ્બર 2018ના રોજ રાંચીના ન્યાયિક કમિશનરે ફરિયાદ અરજીને ફગાવી દેવાના આદેશને પલટી નાખ્યો અને તેને મેજિસ્ટ્રેટ કોર્ટમાં પાછો મોકલ્યો. ન્યાયિક કમિશનરે મેજિસ્ટ્રેટને રેકોર્ડ પરના પુરાવાઓની ફરીથી સમીક્ષા કરવા અને કેસ આગળ વધારવા માટે પ્રથમ દ્રષ્ટિએ સામગ્રી નક્કી કરીને નવો આદેશ જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

રાહુલ ગાંધીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો

ત્યારબાદ મેજિસ્ટ્રેટે 28 નવેમ્બર 2018ના રોજ એક નવો આદેશ પસાર કર્યો અને તારણ કાઢ્યું કે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 500 હેઠળ ગાંધી વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ કેસ સ્થાપિત કરવા માટે પૂરતા પુરાવા છે. પરિણામે મેજિસ્ટ્રેટે રાહુલ ગાંધીને હાજર થવા માટે સમન્સ જારી કર્યું. ત્યારબાદ ગાંધીએ રાંચી જ્યુડિશિયલ કમિશનરના 15 સપ્ટેમ્બર 2018ના આદેશને પડકારતા હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

સિંગલ જજ જસ્ટિસ અંબુજ નાથે જાણવા મળ્યું કે ગાંધીજીએ કહ્યું હતું કે ભાજપના નેતાઓ જૂઠા છે જેઓ સત્તાના નશામાં છે અને ભાજપના કાર્યકરો હત્યાના આરોપી વ્યક્તિને પોતાના અધ્યક્ષ તરીકે સ્વીકારશે. હાઈકોર્ટે કહ્યું કે, ગાંધીના આ નિવેદનો ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 499 હેઠળ પ્રથમદ્રષ્ટિએ અપમાનજનક છે. પ્રથમ દૃષ્ટિએ  રાહુલ ગાંધીના નિવેદન પરથી એવું લાગે છે કે, ભાજપનું નેતૃત્વ સત્તાના નશામાં છે અને તેમાં છેતરપિંડી કરનારા લોકો સામેલ છે.

રાહુલ ગાંધીએ હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો

અરજીમાં રાહુલ ગાંધીએ ઝારખંડ હાઈકોર્ટના 22 ફેબ્રુઆરી 2024ના નિર્ણયને પડકાર્યો છે. હાઈકોર્ટે માનહાનિના કેસને રદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. વાસ્તવમાં બીજેપી કાર્યકર નવીન ઝાએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *