Bhavnagar, તા.30
પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા ઐતિહાસિક મહાકુંભ મેળામાં ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેંન બાંભણિયા એ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી આસ્થાભેર સ્નાન કર્યું હતું અને પોતાના પૂર્વજોને યાદ કરી જળની અંજલિ અર્પી હતી. ઉપરાંત તેમણે પૂ. બજરંગદાસ બાપાના ભકતો દ્વારા ચાલતા બાપા સીતારામ અન્નક્ષેત્રની મુલાકાત કરી અહી મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.
દેશભરમાંથી ભાવિકો મહાકુંભમાં દર્શન અને સ્નાનનો લહાવો લઈ રહ્યા છે ત્યારે કેન્દ્રીય રાજય મંત્રીએ પણ આસ્થાભેર સ્નાન કરી સાધુ સંતોના દર્શન કરી અને આશીર્વાદ મેળવ્યા હતા. મહાકુંભમાં બગદાણા વાળા પૂ. બજરંગદાસબાપાના સેવકગણ દ્વારા સ્વ. પૂ. મનજીદાદાની પ્રેરણાથી બાપા સીતારામ અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે.
જ્યાં શ્રદ્ધાળુઓ માટે નિસ્વાર્થ ભાવે થઈ રહેલી સેવા અને ભક્તિ જોવા મળી. સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અન્નદાન મહાદાનની રહી છે ત્યારે મહાકુંભ મેળામાં બાપા સીતારામના નાદ સાથે હરિહરની હાકલ સાંભળવા મળી રહી છે જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં ભાવિકો અને સાધુ સંતો પંગતમાં બેસી મહાપ્રસાદ લઈ રહ્યા છે. મંત્રીશ્રીએ વિગતો મેળવી પ્રસંશા વ્યક્ત કરી હતી અને બાપા સીતારામ અન્નક્ષેત્રમાં મહાપ્રસાદ લીધો હતો.