રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ઐતિહાસિક તેજીના ગત કેલેન્ડર વર્ષમાં સેન્સેક્સે ૮૫૯૭૮.૨૫ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૨૬૪૦૨.૯૦ પોઈન્ટની સર્વોચ્ચ વિક્રમી સપાટી નોંધાવ્યા સાથે સ્મોલ, મિડ કેપ સહિતમાં વિક્રમી તેજી સાથે વિદાય લઈ રોકાણકારોને એકંદર સારૂ વળતર આપ્યું છે. અલબત વર્ષાંતના મહિનાઓમાં ઓવરવેલ્યુએશન અને વૈશ્વિક પરિબળો સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની સતત વેચવાલીના પરિણામે આ ઊંચા મથાળેથી ઘટાડો નોંધાયો છે.
ગત સપ્તાહની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે અમેરિકામાં ક્રેડિટ કાર્ડ લોનની ચૂકવણીમાં ડિફોલ્ટરોનો આંક વર્ષ ૨૦૧૦ બાદની સર્વોચ્ચ સપાટીએ પહોંચી જવાના સમાચાર અને અમેરિકા પર વધતા જતાં ચિંતાજનક દેવા બોજની સ્થિતિને લઈ અમેરિકી શેરબજારમાં કડાકો નોંધાતા તેની અસર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. વેકેશન મૂડમાં વિદેશી રોકાણકારોની ગેરહાજરી સાથે જીઓપોલિટીકલ ટેન્શન અને અમેરિકામાં સત્તારૂઢ થનારા ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ કેવી રહેશે એની અટકળો વચ્ચે કેલેન્ડર વર્ષ ૨૦૨૪ના અંતિમ સપ્તાહમાં ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.
કેલેન્ડર વર્ષ ૨૦૨૫ અનેક સ્થાનિક અને વૈશ્વિક પડકારોનું નીવડવાની અને હજુ મોટા કરેકશન, ઘટાડાની મૂકાતી શકયતાઓ વચ્ચે શેરોમાં વળતર અત્યંત મર્યાદિત રહેવાના અંદાજોએ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત વેચવાલી સાથે કેટલાક સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડો દ્વારા વર્ષાંતે પોર્ટફોલિયો ફેરબદલ કરી ઘણા શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી કરવામાં આવી હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો, આયાતકારો તરફથી સતત માંગ અને વિદેશી ફન્ડોના આઉટફલોને પરિણામે સ્થાનિક સ્તરે ડોલર સામે રૂપિયો તેની ઓલટાઈમ નીચી સપાટીએ જોવા મળ્યો હતો, જયારે ક્રુડ તેલના ભાવ પ્રમાણમાં સ્થિર જોવા મળ્યા હતા.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
ભારતમાં ૨૦૨૪ના વર્ષમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સીધું ૯૯% ઘટી ગયું છે. એનએસડીએલના ડેટા પ્રમાણે, વર્ષ ૨૦૨૩માં ચોખ્ખો એફપીઆઈ ઇનફ્લો રૂ. ૧.૭૧ લાખ કરોડ હતો તે ઘટીને વર્ષ ૨૦૨૪માં માત્ર રૂ. ૨૦૨૬ કરોડ થઈ ગયો છે. એક તરફ ભારતીય અર્થતંત્ર નબળું પડયું છે ત્યારે બીજી તરફ યુએસ અર્થતંત્ર મજબૂત બન્યું છે. આમ વૈશ્વિક બજારોમાં યુએસ અર્થતંત્રની મજબૂત સ્થિતિ અને સતત ઊંચા વ્યાજ દરોના કારણે રોકાણકારો યુએસ તરફ વળી રહ્યા છે. સાથે સાથે અર્થતંત્રને ઉપર લાવવા માટે ચીનની સરકારે જાહેર કરેલા સ્ટીમ્યુલસ પેકેજના કારણે પણ ભારતને ફટકો પડયો છે.
યુએસનાં બજારોની મજબૂતાઈએ ભારત સહિતના ઊભરતાં બજારોને અસર કરી છે. આ ઉપરાંત ઘટતો જીડીપી વૃદ્ધિ દર, ઘટતા ઔદ્યોગિક ઉત્પાદન અને ઘટતી કોર્પોરેટ અર્નિંગ વૃદ્ધિને કારણે પણ ભારતીય બજારો ઓછા આકર્ષક બની ગયાં છે. દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિનું ચિત્ર દર્શાવતા એચએસબીસી પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસ નવેમ્બર માસમાં ૫૬.૫૦ હતો તે ઘટી ડિસેમ્બર માસમાં ૫૬.૪૦ સાથે ૧૨ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે. ડિસેમ્બરમાં સતત બીજા મહિને ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ ધીમી પડી છે. જાન્યુઆરી ૨૦૨૪માં ૫૪.૯૦ બાદ ડિસેમ્બરનો પીએમઆઈ સૌથી નીચો રહ્યો છે.
ઉત્પાદન ક્ષેત્રના પીએમઆઈની ૨૦૨૪ના સંપૂર્ણ વર્ષની સરેરાશ ૫૭.૫૦ રહી હતી જે ૨૦૨૩માં ૫૬.૮૦ જોવા મળી હતી. આમ ૨૦૨૪ના વર્ષમાં એકંદર પ્રવૃત્તિ મજબૂત રહી છે. સ્થાનિક સ્તરે ઓર્ડરની ગતિ એક વર્ષની મંદ રહી હતી પરંતુ નિકાસ મોરચે સ્થિતિ હકારાત્મક જોવા મળતા જુલાઈ બાદ નિકાસ ઓર્ડરમાં ઊંચી સપાટીએ રહ્યો હતો. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ભારતનો આર્થિક વિકાસ દર ૫.૪૦% સાથે સાત ત્રિમાસિકની નીચી સપાટીએ રહ્યો હતો. ઓકટોબરની સરખામણીએ નવેમ્બરનો ફુગાવો ઘટીને આવ્યો છે, છતાં વધી રહેલી સ્પર્ધા અને ઉત્પાદન ક્ષેત્રના પીએમઆઈમાં ડિસેમ્બર માસમાં સતત બીજા મહિને ઘટાડો ચિંતાની બાબત છે.
મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક
તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુન ૨૦૨૪માં રૂ.૨૮૬૩૩.૧૫ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૦૮૫૭.૩૦ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૦૭,૨૫૪.૬૮ કરોડની ખરીદી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૪૮૩.૮૬ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૪૧૯૪.૭૩ કરોડની ખરીદી તેમજ ૦૨ જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૧૭૧૨.૫૧ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુન ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૭.૪૭ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૨૬૧૧.૭૯ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૧૪,૪૪૫.૮૯ કરોડની વેચવાલી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૫૯૭૪.૧૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૪ માં અંદાજીત રૂ.૧૬૯૮૨.૪૮ કરોડની વેચવાલી તેમજ ૦૨ જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૨૭૫.૯૬ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવિ દિશા…
મિત્રો, સેન્સેક્સમાં વર્તમાન કરેક્શનને કારણે એક સમયે ૨૦% જેવું મળતું રિટર્ન કેલેન્ડર વર્ષ ૨૦૨૪ને અંતે સાધારણ ૯% જેવું જ રહ્યું છે. જોકે, રોકાણકારોને શેરબજારમાં સળંગ ૯મા વર્ષે સકારાત્મક લાભ મળ્યો છે. જો કે છેલ્લા કેટલાક સમયથી ઘટતા વોલ્યૂમ સાથે બજાર કોન્સોલિડેટ થઇ રહ્યું છે. જો કે હવે વધુ લાંબો સમય કોન્સોલિડેશનની સ્થિતિ રહેશે તો આની વિપરીત અસર થઈ શકે છે. આગામી દિવસોમાં નવા વર્ષની શરૂઆત સાથે હવે ફુગાવો, ફેડ રિઝર્વ દ્વારા રેટ કટ, ત્રીજા ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો અને યુનિયન બજેટની આશા – અપેક્ષા પર સૌની નજર રહેશે.
સ્થાનિક સ્તરે ફુગાવાની સ્થિતિને જોતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની ક્યારે શરૂઆત થશે અને કેન્દ્રિય બજેટમાં આવકવેરા સહિતમાં રાહત આપવામાં આવે છે કે કેપિટલ ગેઈન ટેક્ષમાં ફરી વૃદ્વિ કરવામાં આવશે એ પરિબળો પણ મહત્વના બની રહેશે. સાથે સાથે ટ્રમ્પની નિમણૂક બાદ અમેરિકાની નવી આર્થિક નીતિઓને ધ્યાનમાં રાખતાં વિદેશી રોકાણકારો નવા રોકાણ માટે હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે અને ફંડ એલોકેશન કેવું રહેશે એના સંકેત મળવા સુધી દરેક ઉછાળે સાવચેતી આવશ્યક છે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!
ફયુચર રોકાણ
(૧)હેવેલ્સ ઇન્ડિયા (૧૬૯૯) : ટેકનિકલ ચાર્ટ મુજબ આ ફયુચર સ્ટોક રૂા.૧૬૬૦ ના પ્રથમ સપોર્ટથી ખરીદવાલાયક…!! કન્ઝયુમર ઇલેકટ્રોનિકસ સેકટરનો આ સ્ટોક રૂા.૧૭૧૭ થી રૂા.૧૭૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(ર) ડૉ. રેડ્ડીઝ લેબોરેટરી (૧૩૫૯) : આ સ્ટોક રૂા.૧૩૨૩ નો પ્રથમ અને રૂા.૧૩૦૮ નો બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે મધ્યમગાળે રૂા.૧૩૭૪ થી રૂા.૧૩૯૦ નો ભાવ દર્શાવે તેવી શકયતા છે…!!
(૩) ICICI બેન્ક (૧૨૭૧) : ૭૦૦ શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૧૨૪૪ નો પ્રથમ તેમજ રૂા.૧૨૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડિંગલક્ષી રૂા.૧૨૮૮ થી રૂા.૧૩૦૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪) ACC લિમિટેડ (૨૦૫૭) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૨૦૯૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૨૧૦૩ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૨૦૨૭ થી રૂા.૨૦૦૨ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૨૧૨૦ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!
(પ)ભારત ફોર્જ (૧૨૯૮) : રૂા.૧૩૩૩ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૂા.૧૩૪૦ ના સ્ટોપલોસે વેચાણલાયક…!! ટૂંકાગાળે રૂા.૧૨૭૩ થી રૂા.૧૨૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૩૫૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૬)ટાટા કેમિકલ્સ (૧૦૩૧) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૦૬૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૦૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૦૦૮ થી રૂા.૯૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૦૮૮ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧)હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ. (૪૦૦) : અ/ઝ+૧ ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૩૮૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૩૭૭ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૪૧૮ થી રૂા.૪૨૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૪૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૨)ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ (૩૮૩) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૩૭૦ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૩૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૪૦૪ થી રૂા.૪૧૭નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩)રાઈટ્સ લિ.(૨૮૭) : રૂા.૨૭૩ નો પ્રથમ તેમજ રૂા.૨૬૦ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેંડિગલક્ષી આ સ્ટોક રૂા.૩૦૩ થી રૂા.૩૧૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!
(૪)ઈરકોન ઈન્ટરનેશનલ (૨૧૨) : સિવિલ કન્સ્ટ્રકશન સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા.૨૩૩ થી રૂા.૨૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૨૦૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
(૫)શિપિંગ કોર્પો. ઓફ ઈન્ડિયા (૨૦૩) : રૂા.૧૯૩ નો પ્રથમ તેમજ રૂા.૧૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી શિપિંગ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૨૧૮ થી રૂા.૨૩૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૬)આઈનોક્સ વિન્ડ (૧૮૦) : સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૧૬૩ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૧૯૪ થી રૂા.૨૦૨ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭)મેંગ્લોર રિફાઈનરી એન્ડ પેટ્રો. (૧૪૪) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૧૩૬ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૧૫૩ થી રૂા.૧૬૦ ના સંભવિત ભાવની શકયતા છે…!!
(૮)એલ એન્ડ ટી ફાઈ. હોલ્ડિંગ્સ (૧૩૮) : ટેકનિકલ ચાર્ટ મુજબ ઇન્વેસ્ટમેન્ટ કંપની સેકટરનો આ સ્ટોક રૂા.૧૨૬આસપાસ રોકાણકારે રૂા.૧૫૩ થી રૂા.૧૬૦ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૧૧૯ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧) BCPL રેલવે (૯૭) : સિવિલ કન્સ્ટ્રકશન સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા.૧૧૪ થી રૂા.૧૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૮૪ના સ્ટોપલોસે ધ્યાનમાં લેવો…!!
(૨) SBFC ફાઇનાન્સ (૮૮) : ડિલેવરીબેઇઝ રોકાણકારે નોન બેન્કીંગ ફાઇનાન્સિયલ સેકટરના આ સ્ટોકને રૂા.૭૮ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૯૪ થી રૂા.૧૦૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!
(૩) IDBI બેન્ક (૭૩) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા.૬૭ નો પ્રથમ તેમજ રૂા.૬૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૮૩ થી રૂા.૮૮ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪) IFCI લિમિટેડ (૫૮) :રૂા.૫૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યમગાળે રૂા.૬૬ થી રૂા.૭૨ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૭૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!
ડિસેમ્બર માસમાં GST કલેકશન વધીને રૂ.૧.૭૭ લાખ કરોડ થયું…!!
દેશમાં જીએસટી કલેકશનમાં વૃદ્ધિ જારી રહી છે. ૧ જાન્યુઆરી ૨૦૨૫ના આંકડા મુજબ ડિસેમ્બરમાં જીએસટી કલેકશન વાર્ષિક ધોરણે ૭.૩% વધીને રૂ.૧.૭૭ લાખ કરોડ થયું છે. જો કે આ કલેકશન માસિક ધોરણે ૩% ઓછું છે.
નવેમ્બર ૨૦૨૪માં જીએસટી કલેકશન રૂ.૧.૮૨ લાખ કરોડ હતું. ગયા વર્ષે સમાન સમય ગાળામાં જીએસટી કલેકશન રૂ.૧.૬૫ લાખ કરોડ હતું.સેન્ટ્રલ જીએસટી કલેકશન (GST) રૂ.૩૪,૧૪૧ કરોડ, સ્ટેટ જીએસટી કલેકશન (SGST) રૂ.૪૩,૦૪૭કરોડ અને IGSTકલેકશન રૂ.૯૧,૯૨૮ કરોડ રહ્યું છે. જ્યારે સેસની આવક રૂ.૧૩,૨૫૩ કરોડ થઈ છે. નવેમ્બરમાં જારી કરવામાં આવેલા રિફંડનું પ્રમાણ રૂ.૧૯,૨૫૯ કરોડ હતું. આ દર્શાવે છે કે રિફંડમાં ગયા વર્ષની તુલનાએ ૮.૯% ઘટાડો થયો છે.
જીએસટી આવકમાં સ્થિર દરે થયેલી વૃદ્ધિ અગાઉના ક્વાર્ટરમાં ભારતની સુધરેલી આર્થિક સ્થિરતાના પ્રતિબિંબ છે.
આર્થિક સ્તરે મોટાપાયા પર પડકારો હોવા છતાં પણ જીએસટી કલેકશનમાં નોંધપાત્ર વૃદ્ધિ જારી રહી છે. ભારતીય અર્થતંત્રએ વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં આર્થિક નરમાઈનો સામનો કર્યો હતો. વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રએ નરમાઈનો સામનો કર્યો હતો અને ફક્ત ૫.૪% નો વૃદ્ધિદર નોંધાવ્યો હતો. આમ જીડીપી સાત ક્વાર્ટરના તળિયે પહોંચી ૬.૭% પર ઉતરી આવ્યો છે. આ પહેલા ઓક્ટોબરમાં બીજા નંબરનું સૌથી વધુ ૧.૮૭ લાખ કરોડ રૂપિયાનું જીએસટી કલેકશન થયું હતું. સૌથી વધુ જીએસટી કલેકશન એપ્રિલ ૨૦૨૪માં ૨.૧૦ લાખ કરોડ રૂપિયા હતું.
કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં પ્રમોટર્સે રૂ.૧.૫ લાખ કરોડના શેરનું વેચાણ કર્યું…!!
ભારતીય કંપનીઓના પ્રમોટર્સે ૨૦૨૪માં અત્યાર સુધીમાં રૂ.૧.૫ લાખ કરોડના શેરનું વેચાણ કર્યું છે,જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે. શેરબજારમાં તેજી અને પ્રાઈમરી માર્કેટમાં ઉન્માદને કારણે સાનુકુળ સ્થિતિ ઉદભવી છે. પ્રાઇમ ડેટાબેઝના ડેટા દર્શાવે છે કે, પ્રમોટરો દ્વારા ૨૦૨૪માં રૂ.૧.૪૯ લાખ કરોડની રોકડ પ્રાપ્ત થઈ હતી. ગત વર્ષમાં પ્રાપ્ત થયેલા રૂ.૧.૨૬ લાખ કરોડના મૂલ્ય કરતાં વધુ હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનના હિસ્સા તરીકે ખાનગી ભારતીય પ્રમોટરોનું શેરહોલ્ડિંગ સપ્ટેમ્બરના અંતે ૩૨.૮% હતું. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનો હિસ્સો પણ આ સમયગાળા દરમિયાન ૧૯.૭%થી ઘટીને ૧૭.૭% થયો છે.
જો કે, સક્રિય સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો ૬.૧૦%થી વધીને ૭.૭% થયો છે,જ્યારે નિષ્ક્રિય સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સનો હિસ્સો ૧.૩%થી વધીને ૧.૮% થયો છે. રિટેલ રોકાણકારોનો હિસ્સો ૯.૬% પર સુસ્ત રહ્યો છે. વિશ્લેષકોએ નોંધ્યું હતું કે બજારોમાં આવેલી તેજીએ પ્રાઈવેટ ઈક્વિટી (પીઈ) અને વેન્ચર કેપિટલ (વીસી) ફંડ્સ માટે પણ બહાર નીકળવાની સુવિધા આપી હતી. રોકાણકારો અને પ્રમોટર્સે ૨૦૨૪માં પ્રારંભિક પબ્લિક ઑફર્સ (આઈપીઓ)માં શેરના વેચાણ દ્વારા રૂ.૧ લાખ કરોડની નજીકની પકમ ઉભી કરી હતી. જે ઓછામાં ઓછા ૧૦ વર્ષમાં સૌથી વધુ છે.
પ્રાઇમ ડેટાબેઝ દ્વારા શેર કરાયેલ ડેટા દર્શાવે છે કે પ્રમોટરો અને રોકાણકારો દ્વારા ૨૦૨૪માં ઓફર ફોર સેલ (ઓએફએસ)રુટ દ્વારા રૂ. ૯૫,૨૧૦ કરોડ એકત્ર કરવામાં આવ્યા છે.
જે ૨૦૨૧માં ઓએફએસરુટ દ્વારા મેળવેલા રૂ.૭૫,૪૦૦ કરોડ કરતાં વધુ છે. ઘણા સ્ટાર્ટઅપ્સ પૈકી કે જેમણે તેમના આઈપીઓ લોન્ચ કર્યા હતા. તેમાં મોટા પ્રમાણમાં ઓએફએસરુટ દ્વારા ભંડોળ ઉભું કરાયું હતું. બેન્ચમાર્ક સૂચકાંકોએ વર્ષ દરમિયાન મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોની જેમ નવા શિખરો સર કર્યા.
નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતનો જીડીપી ગ્રોથ ૬.૬% રહેવાનો અંદાજ : RBI
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ૨૦૨૪-૨૫માટે ભારતનો જીડીપી ગ્રોથ ૬.૬% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. આરબીઆઈના જણાવ્યા પ્રમાણે, વૈશ્વિક સ્તરે આર્થિક પરિસ્થિતિઓ અને ઘરેલુ માગમાં સુધારાના કારણે દેશનો જીડીપી ગ્રોથ સ્થિર રહેવાની સંભાવના છે. ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપી સુધારાના અવકાશ સાથે આગામી નાણાકીય વર્ષમાં સકારાત્મક અસરો જોવા મળવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે.
આરબીઆઈએ રિપોર્ટમાં જણાવ્યું છે કે,ભારતની અર્થવ્યવસ્થા ટકાઉ અને સ્થિર ગ્રોથ કરી રહી છે. ૨૦૨૪-૨૫માં જીડીપી ૬.૬%ના દરે વધવાનો અંદાજ છે. ગ્રામીણ વપરાશને વેગ આપવા સરકારી ખર્ચ અને રોકાણમાં તેજી તેમજ સેવાઓની નિકાસને પણ વેગ મળવાની શક્યતા છે. નાણાકીય સંસ્થાઓ અને બેન્કોની બેલેન્સશીટમાં સુધારો જોવા મળ્યો છે. વધારાની મૂડી,વ્યાજમાંથી મજબૂત કમાણી, આવક અને સંપત્તિની ગુણવત્તામાં સુધારો નોંધાતા એનબીએફસીની સ્થિતિમાં સુધારો થયો છે. ગ્રોસ એનપીએ ઘટી છે. નાણાકીય સિસ્ટમમાં સ્થિરતા અને ટકાઉપણું જોવા મળ્યું છે.
ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટર્નઓવર ઘટીને ૧૬
મહિનાની નીચી સપાટીએ…!!
ભારતીય શેરબજારમાં અને ખાસ કરીને વાયદા બજારમાં સટ્ટાકીય ટ્રેડિંગને રોકવા અને આ સેગમેન્ટમાં રિટેલ ભાગીદારી ઘટાડવા માટે સેબીએ ઉગામેલા દંડાની ભારે અસર જોવા મળી રહી છે. ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં એવરેજ ડેઇલી ટર્નઓવર (એડીટીવી) ડિસેમ્બરમાં ઘટીને ૧૬ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું હતું.માત્ર વાયદા બજારના વેપારમાં ઘટાડો જ નહિ પરંતુ સામે પક્ષે કેશ સેગમેન્ટનું ટર્નઓવર જે સતત પાંચ મહિનાથી ઘટી રહ્યું હતું,તે ડિસેમ્બરમાં માસિક ધોરણે ૪.૪% વધ્યું હતું. ડિસેમ્બર મહિનામાં બીએસઈ અને એનએસઈ પર ફ્યુચર્સ એન્ડ ઓપ્શન સેગમેન્ટમાં એડીટીવી ઘટીને રૂ.૨૮૦ લાખ કરોડ થઈ ગયું છે,જે ઓગસ્ટ ૨૦૨૩ બાદનું તળિયું છે. નવેમ્બર, ૨૦૨૪ની સરખામણીએ જ જોઈએ તો સરેરાશ વેપાર ૩૬.૫૬% ઓછો રહ્યો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે જો આપણે ડિસેમ્બર મહિનાના વોલ્યુમની સપ્ટેમ્બરના આંકડા સાથે સરખામણી કરીએ તો તેમાં ૪૮% સુધીનો મોટો ઘટાડો જોવા મળે છે એટલેકે અડધું થઈ ગયું છે. ઈન્ડેક્સ ફ્યુચર્સ ટર્નઓવર સતત બીજા મહિને ઘટયું હતું,જ્યારે સ્ટોક ફ્યુચર્સ,ઈન્ડેક્સ ઓપ્શન્સ અને સ્ટોક ઓપ્શન્સમાં સતત ત્રીજા મહિને ઘટાડો થયો હતો.અત્રે નોંધનીય છે કે રિટેલ ટ્રેડર્સને વધી રહેલી ખોટી લત અને વધતા નુકસાનથી બચાવવા માટે, સેબીએ કોન્ટ્રાક્ટની મોટી સાઇઝ,માર્જિનમાં વધારો અને ટ્રેડેડ પ્રોડક્ટ્સની સંખ્યામાં ઘટાડો કર્યો હતો.