Melbourne, તા. 1
ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર ગાવસ્કર ટ્રોફીના પાંચ ટેસ્ટ મેચની સીરીઝમાં ચોથા ટેસ્ટમાં ભારતની શરમજનક હાર થતા ટોપ ઓર્ડરના ખેલાડીઓ પર ટીકાઓનો વરસાદ શરૂ થયો જ છે ત્યારે ટીમ હેડ કોચ ગૌતમ ગંભીર પણ વિફર્યા છે. ભારતની હાર બાદ ડ્રેસીંગ રૂમમાં ગૌતમ ગંભીરે ‘બસ હવે બહુ થયું’ કહીને ખેલાડીઓને ઝાટકયા હતા. આખી ટીમને ખખડાવી હતી.
માહિતીગાર સુત્રોએ જણાવ્યું હતું કે, ચોથા ટેસ્ટ મેચમાં ભારતની હાર બાદ ડ્રેસીંગ રૂમમાં પહોચેલા ખેલાડીઓ પર વિફરેલા હેડ કોચે કોઇ ખેલાડીનું વ્યકિતગત નામ લીધુ ન હતું પરંતુ આખી ટીમની ઝાટકણી કાઢતા એમ કહ્યું કે, ‘નેચરલ (કુદરતી) ગેઇમ’ના નામે રમત રમવાને બદલે પરિસ્થિતિ રમત રમવાની જરૂર છે.
ગંભીરે ભારતીય ટીમના કોચ તરીકે પદ સંભાળ્યાના પાંચ મહિના જેટલો સમય થયો છે. અત્યાર સુધી ગંભીરે ખેલાડીઓને પોતાની રીતે નૈસર્ગિક રમત રમવાની છુટ આપી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં બે મેચોમાં હાર બાદ હવે કોચ જ ખેલાડીઓને કેમ રમવું તેનો નિર્ણય લેશેે.
ક્રિકેટરોને કડક ચેતવણી આપતા ગંભીરે એવું પણ કહી દીધુ હતું કે, હવે અગાઉથી જ નકકી થયેલી સ્ટ્રેટેજી મુજબ ખેલાડીઓએ રમવું પડશે અન્યથા ગુડબાય માટે તૈયારી રાખવી પડશે.
ઓસ્ટ્રેલિયામાં રમાતી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારત 1-2થી પાછળ છે અને હવે સીરીઝ ગુમાવવાનો ખતરો સર્જાયો છે. હવે અંતિમ સીડની ટેસ્ટ બાકી છે તેમાં ભારત વિજય નિવડે તો સીરીઝ સરભર થઇ શકશે. અન્યથા સીરીઝ ગુમાવવી પડશે.
એટલું જ નહીં વર્લ્ડકપ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પણ ફાઇનલમાં પહોંચવામાં ભારતને જોખમ ઉભુ થઇ ગયું છે અને તેના કારણે ગંભીરે વધુ પિતો ગુમાવ્યો છે. તેને કારણે હવે બહુ થયાના સ્પષ્ટ ઉદગારો કાઢીને ખેલાડીઓને ચેતવણી આપી હતી.
ગંભીરે ખેલાડીઓને એમ પણ કહ્યું કે, અગાઉથી નકકી સ્ટ્રેટેજી મુજબ રમવાના બદલે ખેલાડીઓ પોતપોતાની રીતે જ રમવા લાગ્યા હતા. ચોથા ટેસ્ટ મેચના અંતિમ દિવસે લંચ પૂર્વે જ વિરાટ કોહલી બહાર જતા દડાને છંછેડવાના પ્રયાસમાં આઉટ થઇ ગયો હતો અને તેના કારણે ટીમ બેકફૂટ પર આવી ગયાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.
આ જ રીતે ઋષભ પંત બંને ઇનિંગમાં ખરાબ શોટ ફટકારવાના પ્રયાસમાં આઉટ થયો હતો તેની પણ ટીકા કરી હતી. કપ્તાન રોહિત શર્મા ફોર્મ પરત મેળવવા ઝઝુમી રહ્યો છે અને તે પણ ખરાબ રીતે આઉટ થયો હતો. યશસ્વી જયસ્વાલ પણ યોગ્ય રમત રમી શકયો ન હતો અને પરિણામે ટીમનો ધબડકો થયો હતો.
ગંભીરે ભારતની છેલ્લી સાત વિકેટો માત્ર 20.4 ઓવરમાં ગુમાવી દીધી તેની ખાસ ટીપ્પણી કરી હતી. સુત્રોના કહેવા પ્રમાણે ગંભીરના આકરા વેણથી ડ્રેસીંગ રૂમનું વાતાવરણ પણ તનાવભર્યુ બની ગયું હતું.
સુત્રોએ એમ પણ જણાવ્યું છે કે, ઓસ્ટ્રેલિયાની સીરીઝની શરૂઆત થઇ ત્યારથી ભારતીય કેમ્પમાં થોડુ ટેન્શન પ્રવર્તતુ હતું. 100 ટેસ્ટ મેચનો અનુભવ ધરાવતા અને વિકેટ પર ચીપકી રહેતા ચેતેશ્વર પુજારાનો ટીમમાં સમાવેશ કરવા માટે ગૌતમ ગંભીરે ભલામણ કરી હતી પરંતુ પસંદગીકારોએ તે નકારી કાઢી હતી.
પ્રથમ ટેસ્ટમાં જીત પછી પણ ગંભીરે પુજારાને સામેલ કરવા માટે દબાણ ચાલુ રાખ્યુ હતું. એવી પણ ચર્ચા છે કે એક થી વધુ ખેલાડીઓ કેપ્ટનશીપનો મોહ ધરાવતા હોવાથી વ્યકિતગત પરફોર્મન્સને મહત્વ આપી રહ્યા છે. એક સીનીયર ખેલાડી યુવા ક્રિકેટરને સુકાન સોંપવાની હિલચાલ સામે નારાજ છે.
ભારતીય ટીમમાં કોઇ ખુલ્લો વિખવાદ ન હોવા છતાં બધુ સામાન્ય હોવાની વાત પણ નકારવામાં આવી રહી છે. પ્રથમ ટેસ્ટમાં હર્ષિત રાણા અને સુંદરના સમાવેશ વખતે પણ થોડો ગણગણાટ થયો હતો અને કેટલાક સવાલો ઉભા થયા હતા.
ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફની પસંદગી કોચ ગંભીરે કરી છે અને તે સામે પણ ખેલાડીઓમાં થોડો ઘણો ગણગણાટ હોવાની ચર્ચા છે. સુનિલ ગાવસ્કરે તો ખુલ્લેઆમ સવાલ ઉઠાવીને કહ્યું હતું કે, અભિષેક નાયર બેટીંગ કોચ છે કે સહાયક કોચ ? તેની ટીમમાં ભૂમિકા શું છે ? આ સિવાય રવિચંદ્રન અશ્વિને અધવચ્ચેથી નિવૃતિ જાહેર કરી તે પણ ચર્ચાનો વિષય છે. અશ્વિનના પિતાએ તો ખુલ્લેઆમ આરોપ લગાવ્યા હતા જ.
વર્તમાન ટેસ્ટ સીરીઝમાં હવે એક ટેસ્ટ મેચ બાકી છે તે ભારત જીતી શકે તો શ્રેણી 2-2થી સરભર થઇ શકશે. અન્યથા ભારતે સીરીઝ ગુમાવવી પડશે અને તેની અસર વર્લ્ડકપ ચેમ્પિયનશીપ ટ્રોફીના ફાઇનલ પોઇન્ટટેબલ પર પડશે.