Vadodara,તા.29
વડોદરા કોર્પોરેશને આ વખતે નવી પહેલ કરવા અંતર્ગત એક ઇમેલ આઇડી જાહેર કરી શહેરીજનોને બજેટ અંગે પોતાના સૂચનો રજૂ કરવા જણાવ્યું હતું. જેમાં બજેટમાં 1982 પૈકી 284 સૂચનો બજેટમાં સમાવવામાં આવ્યા છે.
સમાવવામાં આવેલા સુચનોમાં જે કામો લેવામાં આવ્યા છે તેમાં પાલિકાના કર્મચારીઓ અને પેન્શનરો માટે મેડિકલ બિલો બજેટમાં વધુ પ્રોવિઝન કરી ઓપીડી બિલો માટે હાલની નવીન પ્રથા દૂર કરી જૂની તથા પુનઃ ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે. ભાયલી સ્ટેશન તરફથી અટલાદરા સ્વામિનારાયણ મંદિરથી કલાલી બ્રિજ તરફના રસ્તે ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનું સૂચન આવ્યું હતું. નાના તથા મોટા તળાવોને ઇન્ટરલિંગ કરવા જરૂરી છે. દશા માતા તળાવમાં તત્કાલિક સફાઈ તથા પોતાની મૂળભૂત સ્થિતિમાં લાવવાની માંગ કરાઈ છે. ભવિષ્યમાં વરસાદી પરિસ્થિતિને જોઈ તેને પહોળી કરવી અને ઝાંસીની રાણી સર્કલથી અમીન પાર્ટી પ્લોટ તરફનિ કાસ બનાવવાની માંગ કરાય છે. સિટી બસ પરિવહન માટે બસોની સંખ્યા વધારવી તેમજ નવા અને આધુનિક બસ સ્ટેન્ડ મળે એવી માંગ કરાઇ હતી. નાગરિકોને તે અંગે જરૂરી માહિતી તાત્કાલિક મોબાઈલ એપ્લિકેશન દ્વારા મળી શકે એવી વ્યવસ્થા થવી જોઈએ. વાડી હરણખાના રોડ સ્વામિનારાયણ મંદિરથી ગાજરાવાડી જવાના મુખ્ય માર્ગ પર નવીન ડ્રેનેજ લાઈન નાખવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત અન્ય પણ અનેક કામો કોર્પોરેશને નાગરિકોના સૂચન દ્વારા રજૂ થયા તે બજેટમાં સમાવ્યા છે.
તો જે નાગરિકોએ સૂચન રજૂ કર્યા અને તે ન સ્વીકાર્યા હોય તેવા કામોમાં એફોર્ડેબલ આવાસો અંતર્ગત જે દુકાનો વેચાતી નથી અને બંધ છે એને સરકારમાં સસ્તા ભાવે આપી દેવી જોઈએ. વર્ષ 2023થી જુદી જુદી રજૂઆતો કરી કોર્પોરેશન તરફથી કોઈ જવાબ નહીં મળતા ગામોએ કોર્પોરેશનમાં ભરવું ન હતું. વિરોધની દરકાર કર્યા વગર કોર્પોરેશનમાં જબરજસ્તી ભેળવી દીધા હતા. એ બાદ અહીં પાણી, ગટર, સફાઈ અને અન્ય સુવિધા વગર વેરા બિલની બજવણી કેમ થાય છે? એવો સવાલ કરાયો હતો. રાજ્યપાલ, સરકાર, અર્બન ડેવલોપમેન્ટ વિભાગના સૂચનો પછી પણ કોઈ જવાબ મળ્યો નથી. તો લોકશાહી જેવી કોઈ વસ્તુ છે કે નહીં? કે માત્ર વેરા કોઈપણ રીતે લેવા જ છે!? પહેલા સરમુખત્યારશાહી છે તેવું લેખિતમાં જાણ કરો. અમને ખબર પડે કે, અમારે રજૂઆત કરવી કે નહીં? આવા પણ સૂચન કરાયા હતા. આ ઉપરાંત એડવાન્સ ટેક્સ રીબેટ જેમાં 10થી 15 ટકા વળતર આપવામાં આવે છે એ વધારીને 25થી 30 ટકા કરવું જોઈએ. જે નાગરિક એક સાથે ત્રણ વર્ષ માટે એડવાન્સ ટેક્સ ભરે તેને 50% જેટલી રાહત મળવી જોઈએ. આ ઉપરાંત વાસણા ફ્લાય ઓવર બ્રિજ ન બનાવવાની રજૂઆત પણ નાગરિકો દ્વારા કરવામાં આવી છે. વોર્ડ નંબર 16માં આવેલ સુએઝ પ્લાન્ટને સ્થળાંતરણ કરવાની બાબત રજૂ કરાઈ છે. કોર્પોરેશનને ગટર વેરો ભરનાર ખાનગી સોસાયટીઓને આંતરિક રસ્તે તુટી ગયેલા ગટરના ઢાંકણા બદલી ઢાંકણા પૂરા પાડવા જોઈએ તેવું સૂચન કરાયું છે. કબ્રસ્તાન માટે 50000 ચોરસ ફૂટ જગ્યા અલગ પાડવાની માંગણી કરાઈ હતી. તરસાલી શાંતિનગર સોસાયટી તથા વિશાલ નગરની વચ્ચે 12થી 15 મીટરના રોડની વચ્ચે ઊંચી કમ્પાઉન્ડ બનાવવાની માંગ કરાઈ હતી. શહેરમાં પાલિકા સંચાલિત વૃદ્ધાશ્રમ શરૂ કરવાની પણ માંગ કરાઈ હતી. જે તમામ માંગ ભગાવી દેવામાં આવી છે અને બજેટમાં એનો સમાવેશ કરાયો નથી.