પીકઅપ ડાલામાં તીજોરીની આડમાં લઈ જવાતો 3.28 લાખનો દારૂ ઝડપાયો

Share:

Anand,તા.20

બોરસદ શહેરથી તારાપુર હાઈવે તરફ જતા ટી પોઈન્ટ પાસેથી પીકઅપ ડાલામાં તીજોરી અને લાકડાના બોક્સમાં ભરીને લઈ જવાતો દારૂનો જથ્થો બોરસદ શહેર પોલીસે ઝડપી પાડયો હતો. રૂા. ૩.૨૮ લાખના દારૂની ૫,૨૩૨ બોટલો સહિત રૂા. ૭.૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઈવરની અટકાયત કરવા સાથે ત્રણ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

બોરસદ શહેર પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન વાસદ તરફથી સીક્સ લાઈન હાઈવે ઉપર થઈ તારાપુરથી સૌરાષ્ટ્ર તરફ પીકઅપ ડાલામાં તીજોરી અને લાકડાના બંધ બોક્સમાં દારૂનો જથ્થો લઈ જવાતો હતો. ત્યારે પોલીસ બોરસદ શહેરથી તારાપુર જતા હાઈવેના ટી પોઈન્ટ પાસે ઉભી હતી. 

ત્યાં પીકઅપ ડાલું આવતા તેને ઉભું રાખી તપાસ કરતા તીજોરી અને લાકડાના બોક્સમાં રૂા. ૩.૨૮ લાખની દારૂની ૫,૨૩૨ ક્વાટરિયા ઝડપાયા હતા. ડાલાના ડ્રાઈવરની અટકાયત કરી પૂછપરછ કરતા તે વિશ્વાસ ઉર્ફે બાલો ભાનુદાસભાઈ પાટીલ રહે. નામદા, રાજુભાઈની ચાલી, તા. વાપી, જિ. વલસાડવાળો હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછમાં બે મોબાઈલ ધારકોએ દારૂનો જથ્થો ભરી આપ્યો હોવાનું અને વાહનની નંબર પ્લેટ બદલી દારૂનો જથ્થો લઈ જવાતો હોવાનું કબૂલ્યું હતું. 

પોલીસે પીકઅપ ડાલુ, રોકડ, મોબાઈલ, તીજોરી સહિત રૂા. ૭.૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા શખ્સ અને અન્ય બે મોબાઈલધારકો વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *