Bihar,તા.30
Biharના સીએમ નીતિશ કુમારે ફરી એક વાર ભાંગરો વાટ્યો. મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં તાળી પાડી રહ્યા છે. આ ઘટના બિહારની રાજધાની પટનાના ગાંધી ઘાટ પર બની હતી, જ્યાં મુખ્યમંત્રી સહિત ઘણા નેતાઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા.
નીતિશ કુમાર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તાળી વગાડવા લાગ્યા
કાર્યક્રમ દરમિયાન મહાત્મા ગાંધીને યાદ કરતા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. મૌન પુરુ થતાં જ સીએમ નીતિશ કુમારે તાળી વગાડવા લાગ્યા. આના પર બિહાર વિધાનસભાના અધ્યક્ષ નંદ કિશોર યાદવે તાત્કાલિક તેમને રોક્યા. આ દ્રશ્ય ત્યાં હાજર લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધું છે. ત્યારબાદ હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. હવે આ આખો મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
મુખ્યમંત્રી દ્વારા શ્રદ્ધાંજલિ સભામાં તાળી વગાડવા અંગે લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકોનું માનવું છે કે, આ એક ભૂલ હતી. સોશિયલ મીડિયા પર લોકો આ ઘટના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
રાજકીય વર્તુળોમાં ખળભળાટ
આ ઘટના સામે આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. બિહારના રાજકીય વર્તુળમાં પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જોકે, અત્યાર સુધી આ અંગે સીએમ નીતિશ કુમાર કે જેડીયુ તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું.
વીડિયો વાયરલ થયા બાદ RJDએ કર્યો કટાક્ષ
આ વીડિયો વાયરલ થયા બાદ RJDના કદાવર નેતા અને પૂર્વ એમએલસી સુનિલ સિંહે કટાક્ષ કરતા કહ્યું કે, બિહારનો હવે ભગવાન જ માલિક છે. જે રાજ્યના મુખિયા જ આવી હરકત કરે તો તેના વિશે શું કહી શકાય? નીતિશ કુમાર માનસિક રીતે બીમાર થઈ ગયા છે. તેમણે જાતે જ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.