Rajkot, તા. 1
ગુજરાતમાં નવા વર્ષના પ્રારંભે જ 23 આઇપીએસ અધિકારીઓને સરકારે પ્રમોશનરૂપે ભેટ આપી હોય તેમ મોડી રાત્રે પ્રમોશન ઓર્ડર કરવામાં આવ્યા હતા. 10 એસપીને ડીઆઇજી બનાવીને પોસ્ટ અપગ્રેડ કરવામાં આવી હતી.
રાજયના ગૃહવિભાગ દ્વારા મોડી રાત્રે પ્રમોશનના ઓર્ડર કરવામાં આવ્યા હતા. પોલીસ ભરતી બોર્ડના ડિરેકટર જનરલ નિરજા ગોટરૂને ડીજીપી કક્ષાએ પ્રમોશન આપવામાં આવ્યું છે. જયારે ગૃહવિભાગના સચિવ નિપુણા તોરવણેને અગ્રસચિવ સમકક્ષ બઢતી આપવામાં આવી છે.
આ સિવાય સુરત ગ્રામ્ય ડીઆઇજીના એસપી હિતેષ જોઇસર, મહેસાણાના એસપી તરૂણ દુગ્ગલ, સીઆઇડી ક્રાઇમ એસપી ચૈતન્ય માંડલીક, પશ્ચિમ રેલવેના એસપી સરોજકુમારી, એસઆરપી ગ્રુપ-9ના કમાન્ડન્ટ આર.વી.ચુડાસમા, સુરત ડીસીપી ઝોન-5 આર.પી.બારોટ, સુરેન્દ્રનગર એસ.પી. જી.એ.પંડયા, મરીન ટાસ્ક ફોર્સ હજીરાના એસપી રાજન સુસરા, વલસાડ એસપી કરણરાજ વાઘેલા, રાજકોટ એસઆરપી ગ્રુપ-1ના કમાન્ડન્ટ સુધા પાંડે, ઇન્ટલીજન્સ વિભાગના એસપી સુધીર દેસાઇ, અમદાવાદ ઝોન-1ના ડીસીપી બલરામ મીણા, રાજકોટ સીટી ઝોન-1 ડીસીપી એસ.વી.પરમાર સહિત ર3ને બઢતીના ઓર્ડર કરવામાં આવ્યા છે.
આ પૂર્વે રાજય સરકાર દ્વારા ગઇકાલે સાંજે 240 એએસઆઇને પીએસઆઇના પ્રમોશન આપવામાં આવ્યા હતા. પોલીસ વિભાગના કર્મચારી, અધિકારીઓને સંવર્ગવાઇઝ સમયસર બઢતી મળી રહે તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ હોવાના દાવા સાથે 240ને પીએસઆઇની બઢતી આપવામાં આવી હતી. ખાતાકીય બઢતી પરીક્ષા ઉતીર્ણ થતા તેમના પ્રમોશન ઓર્ડર કરવામાં આવ્યા હતા.
ચાલુ વર્ષમાં કલેરીકલ સ્ટાફથી માંડીને પીએસઆઇ સુધી કુલ 6770ને બઢતી આપવામાં આવી છે. સરકારના કહેવા મુજબ પ્રમોશન મળવાથી કર્મચારીઓ, અધિકારીઓમાં કાર્યક્ષમતામાં વધારો થાય છે.
વર્ષ 2024 દરમ્યાન 314 પીએસઆઇને પીઆઇ, 397 એએસઆઇને પીએસઆઇ, 2445 હેડ કોન્સ્ટેબલને એએસઆઇ તથા 33પ6 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલના પ્રમોશન આપવામાં આવ્યા છે. 231 કલેરીકલ સ્ટાફને બઢતીનો લાભ આપવામાં આવ્યો છે.