શિયાળો કેટલાય લોકો માટે આશીર્વાદ સ્વરૂપ બની જાય છે, તેમકે આ શિયાળો કેટલાય એકલા અટૂલા લોકોને સાથ તથા સાથી મેળવી આપે છે અને એ પણ હાલતા-ચાલતા એટલે કે જોગર્સ પાર્કમાં. આ જોગર્સ પાર્કમાં આબાલવૃદ્ધ ઘણા લોકો ચાલવા કે કસરત કરવા અને ચહેલવા આવતા હોય છે. ઘણા દાદા-દાદી સવારે ચાલવા કે પ્રવૃત્તિનાં સાનિધ્યનો લાહવો લેવા આવે છે, તો કેટલાક માત્ર હસવા… અરે… અરે… હસવા એટલે કે લાફિંગ ક્લબ બનાવીને હસવા, આખરે એ પણ તો એક કસરત જ છે. એ બહાને તેઓ તનાવભર્યા જીવનમાંથી થોડા હળવા પણ બનતા હશે. આ તો થઈ વૃધ્ધોની વાતો… એવા વૃધ્ધો જે દિલથી જીવી જીણે છે, શિયાળાને જ નહિ, જીવનને પણ માણી જાણે છે. આખરે ‘દિલ તો બચ્ચા હૈ જી…’
શિયાળાની ઠંડીની કણકણમાં યુવા હૈયાની ધડકન પણ કંઈક વધારે જ જોશથી ધડકતી હોય તેવું લાગતું હોય છે. વોક કરતાં કરતાં તેમને પણ મિત્રો મળી જતા હોય છે. તેમાં કેટલીક મૈત્રી તો જીવનભર માટેની પણ બંધાઈ જતી હોય છે. જો તમે પણ આ શિયાળામાં તમારી આસપાસમાં ગાર્ડનમાં એકાદ લટાર મારશો તો તમને પણ આવા નજારા જોવા મળશે. ક્યાંક લાફિંગ ક્લબમાં સર્કલ બનાવીને હાથ ઊંચા કરીને મોટે-મોટેથી હસતા લોકો જોવા મળશે, તો ક્યાંક આસન પાથરીને યોગા કરતા લોકો પણ જોવા મળશે, ક્યાંક યુવા હૈયાઓ સામસામે વોક કરતાં કરતાં આંખોથી આંખો મેળવતા પણ નજરે ચડી જશે. કેટલાંક બાળકો જે મા-બાપની સાથે પોતાની સવારની મીઠી ઊંઘ બગાડીને પરાણે ઢસડાઈને આવ્યા હશે તે બેઠા બેઠા ઝોકા ખાતા પણ જોવા મળશે.
કેટલાક કિસ્સા તો એવા જોવા મળશે કે ઘરેથી શરીર ઉતારવામાં મક્કમ મનોબળ સાથે જોગર્સ પાર્કમાં આવ્યા હોય અને અહીં નાસ્તાની લારીવાળાનાં ખિસ્સા ભરતા હોય, એટલે કે સવાર સવારમાં જ ગરમા-ગરમ પૌઆ, ખીચુ કે મકાઈને જોઈ શરીર ઉતારવાનાં ઈરાદાને કાલ પર છોડી દેતાં હોય.
કેટલાંક લોકો પરોઢિયે ગંભીરતાથી વાંચન કરતા પણ જોવા મળશે. તો કેટલાક લોકો મિત્રો કે સહાંવ્હાલા સામે હૈયાવરાળ ઠાલવવા પણ જોગર્સ પાર્કમાં આવતા હોય છે. હવે તો કેટલાંક યોગા ક્લાસવાળા પણ લોકોને અહીં જ કસરતો શિખવાડતા હોય છે. કેટલાક પ્રેમી પંખીડાઓ માટે મિલનનું સ્થળ પણ બની જતા હોય છે આ જોગિંગ પાર્ક.
આ શિયાળામાં આ બધા નજારાની મજા માણવા ઈચ્છતા હોવ તો ચોક્કસ એકાદ દિવસ વહેલા ઊઠીને તમારા ઘરની આસપાસનાં જોગર્સપાર્કમાં લટાર મારજો.