Ahmedabad,તા.૨
ગુજરાત ૨૦૦૨ રમખાણોની પીડિતા ઝકિયા જાફરીનું નિધન થઈ ગયું છે. ઝકિયા પૂર્વ કોંગ્રસ સાંસદ એહસાન જાફરીના પત્ની હતાં. એહેસાન જાફરી ૨૦૦૨ના ગુજરાત રમખાણ દરમિયાન ગુલબર્ગ હાઉસિંગ સોસાયટીમાં ૬૮ અન્ય લોકો સાથે માર્યા ગયા હતાં. ઝકિયા જાફરીએ રમખાણો પાછળ મોટા ષડયંત્રનો આરોપ લગાવતા ઉચ્ચ અધિકારીઓ સામે તપાસની માંગ કરતાં કાયદાકીય લડાઈ લડી હતી.
મળતી માહિતી મુજબ, ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે ઝકિયા જાફરીનું ૮૬ વર્ષની વયે નિધન થયું છે. તેઓએ અમદાવાદમાં છેલ્લાં શ્વાસ લીધા હતાં. ૨૦૦૬થી ગુજરાત સરકાર સામે લાંબી કાયદાકીય લડાઈ લડવાના કારણે તે પીડિયો માટે ન્યાયની લડાઈનો ચહેરો બન્યા હતાં.
ઝકિયા જાફરીના દીકરા તનવીર જાફરીએ જણાવ્યું કે, ’મારી મા અમદાવાદમાં મારી બહેનના ઘરે ગઈ હતી. તેએ પોતાની સવારની દિનચર્યા પૂરી કરી અને પોતાના પરિવાર સભ્યોની સાથે સામાન્ય રીતે વાતચીત કરી રહી હતી. આ દરમિયાન તેને ગભરામણ થવા લાગી, ત્યારે ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાન આશરે ૧૧ઃ૩૦ વાગ્યે તબીબોએ તેને મૃત જાહેર કરી.’