Ahmedabad તા.20
બિનજરૂરી સર્જરી કરીને સરકારી આરોગ્ય યોજનાના નાણાંની ઉચાપત કરવાનાં ખળભળાટ સર્જતા ખ્યાતિ હોસ્પીટલ કાંડમાં ડાયરેકટર કાર્તિક પટેલની ધરપકડ થવા સાથે જ નવા-નવા ખૂલાસા થવા લાગ્યા છે.1 સપ્ટેમ્બર 2021 થી 28 ઓકટોબર દરમ્યાન દાખલ થયેલા 8535 માંથી 3842 અર્થાત 45 ટકા દર્દીઓની સહકારી યોજના હેઠળ સારવાર કરવામાં આવી હતી. સમગ્ર કૌભાંડની તપાસ માટે ચાર્ટર્ડ એકાઉન્ટને સામેલ કરવામાં આવ્યા છે.
તબીબી ક્ષેત્રનાં સુત્રોએ કહ્યું કે મધ્યમ કક્ષાની હોસ્પીટલોમાં સરેરાશ 30 ટકા દર્દીઓની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર થતી હોયછે પરંતુ 45 ટકાની ટકાવારી ઘણી ઉંચી ગણી શકાય.
પોલીસ તપાસમાં એવુ બહાર આવ્યું છે કે હોસ્પીટલમાં સારવાર લેનારા 8534 માંથી 112 દર્દીનાં મોત થયા હતા. અર્થાત સારવાર મૃત્યુદર 1.3 ટકા હતી. ખ્યાતિ હોસ્પીટલનાં ડાયરેકટર કાર્તિક પટેલની સહી વિના એકપણ નાણાકીય વ્યવહાર થતાં ન હતા એટલે તેઓની ભૂમિકા ઘણી જ મહત્વપૂર્ણ અને ગંભીર છે. ક્રાઈમ બ્રાંચના એક સીનીયર અધિકારીએ કહ્યું કે હોસ્પીટલનુ કામકાજ પીએમજેવાય આધારીત જ હતું કે કેમ તેના પર તપાસ કેન્દ્રીત કરવામાં આવી છે.ખાસ કરીને આયુષ્યમાન કાર્ડ ન ધરાવતા દર્દીઓને તત્કાળ કાર્ડ કઢાવી દેવાની પ્રવૃતિ તપાસ હેઠળ છે.
કાર્તિક પટેલે પ્રાથમીક તપાસમાં એમ કહ્યું કે કોવીડ કાળ સામે હોસ્પીટલમાં બેડ મળ્યો ન હતો. એટલે આરોગ્ય ક્ષેત્રમાં ઝંપલાવવાનું નકકી કર્યુ હતું અને દર વર્ષે અન્ય પેઢીઓમાંથી લોન લઈને હોસ્પીટલમાં રોકાણ વધારતો રહ્યો હતો. ધરપકડથી બચવા તમામ કાનુની વિકલ્પો બંધ થઈ જતા પરત ફરવાનું નકકી કર્યુ હતું.કાર્તિક પટેલને સાંકળતા 33 બેંક ખાતાની તપાસ કરવામાં આવી છે.
દરમ્યાન પ્રધાનમંત્રી આરોગ્ય યોજના હેઠળ મેળવેલા 16.64 કરોડનુ રોકાણ કયા અને કેવી રીતે કર્યું તેનુ પગેરૂ મેળવવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટને તપાસમાં સામેલ કરાયા છે.
► નરોડામાં બીજી હોસ્પીટલની યોજના હતી
ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ કહ્યું કે કાર્તિક પટેલ આરોગ્ય ક્ષેત્રમાં વધુને વધુ પગદંડો જમાવવા પ્રયત્નશીલ હતો અને નરોડામાં ગેલેકસી ક્રોસરોડ પાસે નવી હોસ્પીટલ બાંધવાની તૈયારીમાં હતો. જગ્યા માટે ગાયત્રી બિલ્ડર સાથે વાટાઘાટો કરીને લીઝ માટેના કરાર પણ કરી લેવાયા હતા. જો કે, નિયત સમયમાં પ્રોજેકટ પૂર્ણ થયો ન હતો. કમ્પ્લીશન સર્ટીફીકેટ ન મળતા પ્રોજેકટ પડતો મુકી દીધો હતો.