કોદીયા ગામે વાડી વિસ્તારમાં એક પછી એક બે આધેડ પર દીપડાનો હુમલો

Share:

Una,તા.20

  ગીરગઢડા પંથકમાં માનવભક્ષી દીપડાએ હાહાકાર મચાવી દીધો છે. માનવ પર હુમલાની વધુ એક ઘટનામાં કોદીયા ગામે વાડી વિસ્તારમાં એક પછી એક બે આધેડ પર દીપડાએ જીવલેણ હુમલો કરતા એકનું મોત થયું હતું. જ્યારે બીજા આધેડને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. આ ઘટનાની જાણ કર્યા બાદ વન વિભાગનો સ્ટાફ એક કલાક પછી પણ ન ડોકાતા પરિવારમાં ભારે રોષ પ્રસર્યો હતો અને એસીએફ આવ્યા બાદ મૃતદેહને સ્વીકાર્યો હતો.

ઊના અને ગીરગઢડા તાલુકાના ગીર જંગલ બોર્ડરના ગામોમાં સિંહ, દીપડા જેવા હિંસક વન્યપ્રાણીઓની અવર-જવર વધી છે અને તેમાં પણ માનવ પર હુમલાના બનાવો વધી રહ્યા છે. આવી એક વધુ ઘટનામાં કોદીયા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા વાલાભાઈ સાર્દુલભાઈ વાઘેલા(ઉ.વ.પ૦) રાત્રીના સમયે પોતાના મકાનની ઓસરીમાં ખાટલા પર નિંદ્રાધીન હતા ત્યારે શિકારની શોધમાં આવેલા દીપડાએ તેમના પર હુમલો કરી ગળાના ભાગે તિક્ષ્ણ ન્હોર ભરાવી દઈ ખાટલાથી નીચે પછાડી તેમને ઢસડીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.  જોકે, દીપડાએ હુમલો કરતા વાલાભાઈએ બુમાબુમ કરી મુકતા ઘરના અન્ય સભ્યોએ ત્યાં દોડી આવી દીપડાના મુખમાંથી વાલાભાઈને મુક્ત કરાવ્યા હતા.

 જ્યારે દીપડો ત્યાંથી નાસી ગયા બાદ બાજુની વાડીમાં ખાટલા પર નિંદર માણી રહેલા બટુકભાઈ ભીમાભાઈ બારીયા(ઉ.વ.પ૦) પર પણ હુમલો કરી દેતા તેમને મોઢા, પીઠ અને માથાના ભાગે ઈજા પહોંચી હતી. બટુકભાઈએ પણ ચીસાચીસ કરી મુકતા આસપાસના લોકોએ દોડી આવી દીપડાને ભગાડયો હતો. ગંભીર રીતે ઘાયલ બટુકભાઈને હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા. જ્યારે દીપડાના જીવલેણ હુમલામાં વાલાભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવની મૃતકના નાના ભાઈ રવજીભાઈએ વન વિભાગને જાણ કરી હતી પરંતુ એક કલાક પછી પણ કર્મચારીઓ આવ્યા ન હતા. ત્યારબાદ મોડે-મોડે ગીર પૂર્વ વિભાગના જશાધાર રેન્જના આરએફઓ સ્ટાફ સાથે આવતા પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. બાદમાં ધારીથી એસીએફને સ્થળ પર દોડી જવું પડયું હતું. બાદમાં પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો અને ગીરગઢડા હોસ્પિટલે પીએમ માટે લઈ જવાયો હતો.

ફરેડામાં વૃધ્ધા અને કોદીયામાં બાળકીને ફાડી ખાધી હતી

થોડા દિવસ પહેલા ફરેડા ગામે દીપડાના હુમલામાં વૃધ્ધાનું મોત થયું હતું. આ પહેલા કોદીયા ગામે સાત વર્ષની દિકરીને પણ દીપડાએ ફાડી ખાધી હતી. કોદીયા, ફરેડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ રહેણાંક બનાવી લીધા હોય લોકોમાં સતત ડરનો માહોલ રહે છે.

જુદી-જુદી જગ્યાએ પાંજરા ગોઠવી આદમખોરને પકડવા કવાયત

કોદીયા ગામની સીમમાં ખુંખાર દીપડાએ અલગ-અલગ બે સ્થળોએ હુમલા કરી બે આધેડને પોતાના નિશાન બનાવ્યા હતા. જેમાં એક આધેડ મોતને ભેટી ગયા હતા. આ ઘટનાને પગલે વન વિભાગના સ્ટાફે અલગ-અલગ જગ્યાએ પાંજરા ગોઠવી દઈ આદમખોર દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *