વિષયમાં રાગ-આસક્તિની નિવૃત્તિ ઇશ્વરનો સાક્ષાત્કાર થાય ત્યારે થાય છે.સંસારમાં ફસાય તેને ભક્તિ રૂપી અમૃત મળતું નથી.સતત હરિસ્મરણ હશે તો માયા પજવશે નહી.જ્ઞાની પુરૂષો આકારને જોતા નથી સૃષ્ટિને નિરાકાર ભાવે જુવે છે.ભક્તિમાં ગૃહસ્થાશ્રમ નહી આસક્તિ બાધક છે.બ્રહ્માકાર મનોવૃત્તિથી માયાનું આવરણ દૂર થાય છે.આત્મા તો મુક્ત છે મન-બુદ્ધિને મુક્ત કરવાનાં છે.શ્રીરામે જે કર્યું તે અને શ્રીકૃષ્ણે કહ્યું તેમ કરવાનું છે.નૃસિંહ અવતાર ક્રોધનો નાશ કેવી રીતે કરવો તે બતાવે છે.કામ ક્રોધ લોભ મોહનો નાશ થયા પછી પરમાત્મા મળે છે.સંપત્તિ ભોગ માટે નહી ભક્તિ માટે છે તેને પરોપકારમાં વાપરજો.જેને ચારે બાજુ ભગવાન દેખાય તે અંબરીશ.જ્ઞાનમાર્ગમાં ઇન્દ્રિયોના દ્વાર બંધ કરવા પડે અને ભક્તિમાર્ગમાં તેને ભગવાનમાં લગાડવાની છે.ભક્તિમાર્ગમાં તન-ધન નહી મન મુખ્ય છે.અંબરીશ-દુર્વાસા કથા સમજાવે છે કે ભક્તિમાં દુર્વાસના વિઘ્ન કરવા આવે છે.હું મોટો અને બીજો નાનો-હલકો એ દુર્વાસના છે.હું બીજાને સુખ આપીશ આ સદવાસના છે જેનાથી ભક્તિ વધે છે.ભક્તનો દ્રોહ કરનારની રક્ષા કરવાનું સામર્થ્ય કોઇનામાં નથી. કર્કશવાણીએ કૃત્યા છે.સૌભરીઋષિ ચરીત્ર સમજાવે છે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે તો કામી અને વિલાસીનો સંગ ના કરો.
આપણા પુરાણો અને શ્રીમદ ભાગવતમાં જ્યાં લીલા શબ્દ આવે છે ત્યાં લીલા એટલે બનેલી ઘટના નહી પરંતુ તેના માધ્યમથી વ્યાસજી આપણને આધ્યાત્મિક અર્થ સમજાવવા માંગે છે.કૃષ્ણલીલામાં શુદ્ધ પ્રેમ છે, શ્રીરામજીની લીલામાં મર્યાદા છે.મોક્ષના ચાર દરવાજા છેઃશુભેચ્છા,સંતોષ, સ્વરૂપાનુંસંધાન અને સત્સંગ.આ ચાર યાદ રાખો તો મોક્ષ સુલભ છે.સંસારમાં મન રહેવાથી પાપ થાય છે. જીવનમાં પૈસા કરતાં પ્રભુની વધુ જરૂર છે.વાસના સુપર્ણખાની જેમ પહેલાં સુંદર લાગે છે પછી પોતાનું પોત પ્રકાશે છે.જીવ ઇશ્વર સાથે સબંધ જોડે છે ત્યારે તેનું મરણ સુધરે છે.શબરીનો પ્રસંગ સમજાવે છે કે ગુરૂના વચન ઉપર વિશ્વાસ અને પ્રતિક્ષા કરો.પ્રભુપ્રેમ જાગૃત કરવા શ્રીરામે નવ સાધન બતાવ્યાં છેઃપ્રભુપ્રેમી સંતોનો સંગ,ભગવાનની કથા-શ્રવણ, પ્રભુના ગુણાનુવાદ,કોઇની નિંદા ન કરવી,સદગુરૂની સેવા,યમ-નિયમનું પાલન,સેવા,મંત્રજાપ અને સર્વમાં ઇશ્વર છે તેવો ભાવ.જેને સાચા સુખની દિશાનું ભાન નથી તેનો વિનાશ થાય છે.જીવ માન-અપમાન ભૂલી જાય તો સરળતા આવે છે.કલહનું મૂળ પૈસા અને પ્રતિષ્ઠા છે.સમાજને સુધારવો કઠિન છે,પોતાના ઘર-મન અને સ્વભાવને સુધારો.જીભ ઉપર સંયમ રાખો.જેનામાં કામ ક્રોધ લોભ મોહ મત્સર-આ વિકારો જેનામાં છે તે રાક્ષસ.
ભાગવત સાત દિવસમાં મુક્તિ આપનાર ગ્રંથ છે.જેનું મૃત્યુ નજીક હોય તેને શું કરવું? મન મરે તેને મુક્તિ મળે છે.સુખ-દુઃખ મનને થાય છે.સંસારના વિષયોનું ચિંતન છોડાવી મનને ઇશ્વરમાં જોડવાનું છે. કૃષ્ણલીલા નિરોધલીલા છે,મનનો નિરોધ કરવાનો છે.વિષયોનું વિસ્મરણ થાય,સંસારનો સબંધસબંધ તૂટે ત્યારે બ્રહ્મસબંધ થાય છે અને આનંદ આવે છે.આનંદ જગતને ભુલવામાં છે.મનમાંથી સંસારને કાઢવાનો છે.ભગવાન જેના મનને ખેંચી લે તેનું મન સંસારમાં જતું નથી.બ્રહ્મચિંતન કરતાં જેનું મૃત્યુ થાય તેને મુક્તિ મળે છે.જીવોના ચાર ભેદ છેઃઅધર્મથી ધન કમાઇ અનીતિથી ભોગવે તે પામર,ધર્મથી કમાઇ ઇન્દ્રિયસુખ ભોગવે તે વિષયી, સંસારના બંધનથી છુટવાની ઇચ્છા રાખનાર મુમુક્ષુ અને માયાના બંધનમાંથી છુટેલા અને પ્રભુમાં તન્મય થયેલા મુક્ત.ઇશ્વરમાં મનનો લય કરવો તે મનનો નિરોધ છે.ઉઘાડી આંખે જગત ના દેખાય અને પરમાત્મા દેખાય તે જ્ઞાન સાચું.વાસુદેવ સત્વગુણ અને દેવકી નિષ્કામબુદ્ધિ છે.બંન્નેનું મિલન થાય એટલે ભગવાનનો જન્મ થાય છે.માયાનો આશ્રય કર્યા વિના શુદ્ધ બ્રહ્મનો અવતાર ના થઇ શકે.સંસારનું કોઇપણ કાર્ય માયા વિના થતું નથી પણ તેના ગુલામ થવાનું નથી.જે બીજાને યશ આપે તે યશોદા.જે વાણી-વિચાર અને વર્તનથી સર્વને આનંદ આપે તે નંદ.પ્રત્યક્ષ પ્રભુના દર્શન થયા પછી પણ ધ્યાન કરવાની જરૂર છે.જ્ઞાનનો દીવો પ્રગટ થયા પછી પણ જો ઇન્દ્રિયનો એકાદ દરવાજો ઉઘાડી રહી જાય તો જ્ઞાનદીપ બુઝાય છે.મસ્તકમાં બુદ્ધિ છે તેમાં પરમાત્માનો અનુભવ કરવાનો છે.મારા શરીરથી હું ભિન્ન છું એવા આત્મજ્ઞાન સમાન પવિત્ર આ સંસારમાં બીજું કંઇ નથી.
બ્રહ્મસબંધ થાય ત્યારે માયાનું બંધન તૂટે છે.જીવ અને ઇશ્વરનું મિલન થતાં જીવ નાચે છે.સ્ત્રી નમ્રતાનું અને પુરૂષ અહંકારનું પ્રતિક છે.કંઇક અપેક્ષા રાખીને કરેલો પ્રેમ છેલ્લે રડાવે છે.ઉત્તમમાં ઉત્તમ દાન માનદાન છે.તમામ જીવ શિવસ્વરૂપ છે તેમ સમજી સર્વેને માન આપવું.ઇશ્વરનું પ્રાગટ્ય તે ઉત્સવ.સંસારના સુખ-દુઃખની અસર મન ઉપર ના પડે તે માટે ઉત્સવ કરવાનો.હ્રદયમાં પ્રભુ પધારે તો સુખ-દુઃખની અસર થતી નથી. અપેક્ષા વગરના થઇને નિષ્કામભાવે કર્મ કરો.જીવ ઇશ્વરનાં દર્શન કરે ત્યારે વચમાં માયાનો પડદો આવે છે. દુઃખીને દિલાશો આપવો મહાન પુણ્ય છે,દુઃખીને તમારા સુખની વાતો કહેશો નહી.
જેના હૈયામાં ઝેર છે અને શરીર સુંદર છે,જે પવિત્ર નથી તે પૂતના,પૂતના વાસનાનું સ્વરૂપ છે.વાસના આંખમાંથી અંદર આવે છે.વાસના પાંચ જ્ઞાનેનદ્રિયો,પાંચ કર્મેન્દ્રિયો,મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચૌદ ઠેકાણે રહે છે તે બતાવવા પૂતના ચૌદશના દિવસે ગોકુળમાં આવી તેમ બતાવ્યું છે.વાસનાનો વિનાશ થાય તો જ ભક્તિ થાય છે.ગૃહસ્થાશ્રમ ગાડું છે,પતિ-પત્ની બે પૈડાં છે,આ ગાડાના સારથી ભગવાનને બનાવો તો સીધા રસ્તે લઇ જશે.ઇશ્વર સાથે જે ભાવથી જેવો સબંધ જોડો તે ભાવ પ્રમાણે પરમાત્મા સ્વ-રૂપ ધારણ કરે છે. ચૌરાશી લાખ યોનિઓમાં ભ્રમણ કર્યા પછી પાપ-પુણ્ય સરખાં થાય ત્યારે મનુષ્ય જન્મ મળે છે.
ભાગવતની કથા મરતાં પહેલાં મનુષ્યને મુક્તિ આપે છે.જ્ઞાનીની અંદર સંસાર રહેતો નથી.વિષયસુખ ભોગવ્યા પછી ક્ષણિક વૈરાગ્ય આવે છે પણ માયા તેને ટકવા દેતી નથી.વિષયોનું ચિંતન થતાં મન તેમાં ફસાય છે.મુક્તિ મનને મળે છે.શુદ્ધ આત્મા એ મન નથી પણ મનનો સાક્ષી છે.આત્મા પરમાત્માનો અંશ છે તે બંધાયો નથી.જીવ અને ઇશ્વર એક જ છે.ઘટાકાશ અને મહાકાશ એક જ છે વચ્ચે ઘડાની ઉપાધિ છે તેથી ભેદ ભાસે છે.ભક્તિમય જીવન જીવીએ,કૃષ્ણલીલાનું ચિંતન કરીએ તો જીવતાં જ મુક્તિનો આનંદ મળે છે.સંસારના વિષયોનું વિવેકથી મંથન કરવાથી ભક્તિરૂપી માખણ મળે છે.ભક્તિના કિનારે બે વિઘ્ન આવે છેઃવત્સાસુર-અજ્ઞાન-અંધશ્રદ્ધા અને બકાસુર-દંભ.અઘાસુર એટલે પાપમાં જેના પ્રાણ રમે છે.કાલિયનાગ ઇન્દ્રિયાધ્યાસનું પ્રતિક છે.ઇન્દ્રિયોમાં વાસનાનું ઝેર હોય ત્યાં સુધી ભક્તિ થતી નથી.ભક્તિના બહાને ઇન્દ્રિયોને લાડ કરે તે કાલિયનાગ.વેણુગીત એ નાદબ્રહ્મની ઉપાસના છે.નામબ્રહ્મમાં મનનો લય ના થાય ત્યાં સુધી નાદબ્રહ્મ થતો નથી.નાદબ્રહ્મથી પરબ્રહ્મ મળે છે.ગો-એટલે ભક્તિ-જ્ઞાન,તેને વધારનારી લીલા એ ગોર્વધનલીલા.બ્રહ્મવિદ્યાનો જે પર્વત છે એના નીચે આખું વ્રજ આવીને બેઠું છે.હવે ઇન્દ્ર બાર મેઘ આપે તો એ આ ક્ષેત્રને આંચ આવવાની નથી.માયા જ્યાં ના જઈ શકે એને ગોવર્ધન કહેવાય.જડ-ચેતનમાં ઇશ્વરનો અનુભવ થાય ત્યારે જ્ઞાન-ભક્તિ વધે છે.
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)