કાળી કમાણી માટે Ahmedabad પોલીસમાં ‘અવળી ગંગા

Share:

Ahmedabad,તા.06

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિક અને DGP વિકાસ સહાયે વહીવટદારોનો સફાયો બોલાવતાં એક IPS અધિકારી નવો ટ્રેન્ડ લાવ્યા છે. આ અધિકારીએ તેમનો વહીવટ એક PSIને સોંપ્યો છે. આ PSIએ  આ ઉઘરાણાની જવાબદારી ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપી હોવાની ચર્ચા ચાલી રહી છે. PSI ખરેખર PIના હાથ નીચે હોય પણ બેઇમાનીના પૈસાની લાલચમાં આ ત્રણ પીઆઈની ત્રિપુટી પીએસઆઈની હાથ નીચે કામ કરવા તૈયાર થઈ ગઈ છે. દર મહિને આ ત્રણ પીઆઈ કાળી કમાણી કરીને હવે પીએસઆઈને ભોગ ધરાવશે.

અગાઉ થોડા સમય પહેલા આ વહીવટદાર જમીન ખાલી કરવા માટે બિલ્ડરની ગાડીમાં બેસીને ગયો હતો અને આખરે તેને જમીન ખાલી કરાવી દીધી હતી. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં થોડા સમય પહેલા જમીનના ભાવ વધતા વહીવટદાર માર્કેટમાં આવી ગયો છે. અમદાવાદ ફરતે જમીનોના ભાવ આસમાને પહોંચ્યા હોવાથી વિવાદિત જમીનો પર આ વહીવટદારનો ડોળો હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડરપોક આ પીએસઆઈ અગાઉ હેડ કોન્સ્ટેબલ અને એસઆઈ હતો ત્યારે અનેક આઈપીએસ અધિકારીઓનો વહીવટ કરી ચૂક્યો છે.  જો કે, વધારે આવક વહીવટમાં થતી હોવાથી તેને  વહીવટમાં જ રસ છે, આ વહીવટદારની તપાસ થાય તો તે કરોડો રૂપિયાનો આસામી હોવાનું બહાર આવે તેમ છે.

ડીજીપી અને પોલીસ કમિશનરથી બચવા માટે આઈપીએસ અધિકારીએ આ નવો નુસખો અજમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે હવે સીધાં વહીવટદારો ઉચ્ચ પોલીસ અધિકારીના ઘ્યાનમાં નહીં આવે. પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે પી.આઈ તેના પોલીસ સ્ટેશન ઉપરાંત તેના વિસ્તારના તાબામાં આવતા અન્ય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પાસેથી પણ હવે હપ્તા વસૂલી કરશે. જેથી એ પી.આઈનો એના તાંબામાં આવતા અન્ય પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર દબાણ રહેશે.

અગાઉ આઇપીએસ અધિકારીઓની વહીવટ કરી ચૂકેલા આ વહીવટદાર પીએસઆઇની અગાઉ કેટલીક વાર બદલી થઈ હતી. પરંતુ, આઈપીએસ અધિકારીઓનો ઉપયોગ કરીને ફરીથી અમદાવાદ આવી જાય છે. આ વહીવટ આખા અમદાવાદમાં જગ જાહેર છે છતાં એના પર આઇપીએસ અધિકારીઓ કાર્યવાહી કરતા ડરે છે? આઈપીએસ અધિકારીને આ પીએસઆઈ વહીવટદાર તેની કોઈપણ જગ્યાએ બદલી થઈ હોવા છતાં તે અમદાવાદ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં વહીવટ અગાઉ પણ કરતો જ હતો અને હાલ પણ કરી રહ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના આશિર્વાદથી આ વહીવટદારનું રાજ અડધા અમદાવાદ પર ચાલી રહ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *