આરોગ્યની અખંડ જ્યોતિ: LS Hospital

Share:

હમણાં જ 16મી તારીખે સાવરકુંડલા એટલે તપોબળ, ચરિત્રબળ અને સંતુલન બળની ભૂમિમા એક સુંદર કાર્યક્રમ થયો.સ્વ.લલ્લુભાઈ શેઠ જેવા ગાંધીયન મૂર્તિ કે જે તેના વિકાસદ્રષ્ટા અને કલ્યાણ ભાવનાની પલાંઠી વાળીને બેઠેલાં તપસ્વી હતાં.તો અહીં જોગીદાસ ખુમાણ જેવા ચરિત્ર બળ ધરાવતા વટ વચન અને વેર માટે ખપી જનાર ઈતિહાસનું એ અમરપાત્ર આજે પણ નાવલીના એ પ્રવાહમાં ઘુઘવાટા કરી રહ્યું છે. તો બીજી તરફ કાંટા ઉદ્યોગથી જાણીતું‍ થઈને સંતુલિત તાકાતથી જીવતું આ નગર આજે પણ કંઈક ઇતિહાસ સર્જવા માટે મથતું રહે છે. તેથી જ કદાચ ઘોર કળી કાળમાં કે જ્યાં પૈસા માટે ચારે બાજુ રાડારાડી,હારાકીરી અને લૂંટફાટ ચાલી રહી છે. તેમાં પણ આરોગ્યનો વિષય જે હવે વિશ્વાસનો રહ્યોં નથી.ત્યારે પુ.મોરારિબાપુના સંકલ્પ બળથી અને તેના ઈશ્વર ભરોસે નિર્મિત થયેલ એક એવી હોસ્પિટલ કે જે અનેક લોકો માટે વિસામો, પ્રાણ, પતિત કેન્દ્રબિંદુ બધું જ છે અને તેનું નામ છે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર અથવા એલ.એસ.હોસ્પિટલ.

          સાવરકુંડલાની નાવલી નદીમાં ઉતરો અને કોઈપણને પૂછો કે ખાદી કાર્યાલયનું દવાખાનુ ક્યાં છે? તો તે કહેશે કે મહુવા રોડે આગળ જઈને માર્કેટિંગ યાર્ડના રસ્તા તરફ ડાબી બાજુ વળશો અને ત્યાં તમને આ આરોગ્યનો અનેકનો આશરો આપનારું વટવૃક્ષ મળી જશે.આજથી દસ વર્ષ પહેલાં 2014માં કદાચ એવી કલ્પના હતી કે એક હોસ્પિટલ એવી નિર્માણ થાય કે જ્યાં દર્દીઓને એકદમ અમૂલ્ય પરંતુ માત્ર ભાવનું જ મૂલ ચુકવીને સારવાર કરી શકાય! ‘દર્દી દેવો ભવ’ના સૂત્રને સાકાર કરી શકાય તો તે કરવું છે.

          હાસ્ય લેખક લેખક શ્રી રતિલાલ બોરીસાગર આ નગરના નગરવાસી અને તેના વિદ્યાર્થીઓએ વિદ્યાગુરુ ફાઉન્ડેશન ઊભું કર્યું. આ હોસ્પિટલની વિભાવના વહેતી થઈ,ગ્રામ સેવા મંડળે તેમના મકાનો આપ્યાં.દર્દીઓનો હાશકારો અને આશીર્વાદ પ્રાપ્ત કરવાની વણઝાર વહેતી થઈ.બાળક, આંખ, કાન- ગળુ,  સ્ત્રી બધાની સારવાર કોઈ ફી વગર કે અપેક્ષા વગર ચાલુ થઈ,એટલું જ નહીં દર્દી અને તેની સાથે આવનાર લોકોને ભોજન પણ પ્રેમથી કોઈ ચાર્જ લીધા વગર આપવાનો સિલસિલો ચાલુ થયો તે આજે પણ અવિરત ચાલુ છે.અત્યાર સુધીમાં આ હોસ્પિટલમાં 40 લાખ દર્દીઓની સેવા કરવામાં આવી છે.આ આંકડો નાનો નથી, અને એક પણ પ્રકારની કોઈ ફરિયાદ વગર આ સેવા સાધના થતી રહી છે. 170 જેટલાં કર્મચારી ગણ તથા 25 જેટલા તબીબોની ટીમ સતત દર્દી નારાયણ માટે દર્દ હરક દવા લઈને ઊભા જ હોય છે.દર મહિને 75 લાખ રૂપિયાનો હોસ્પિટલમાં ખર્ચ થાય છે.તે નાણા મુંબઈ અને દેશાવરોમાંથી દાનથી મેળવાઈ રહ્યા છે.ધર્મના નામે અને અન્ય આચાર કે આડંબરોમાં થતા ખર્ચને બચાવીને માનવને મંદિર માનનારા લોકો પણ જગતમાં જીવે છે તેનો અહેસાસ હોસ્પિટલ કરાવી રહી છે. 

              આ સંસ્થાના સંચાલક શ્રી હરેશભાઈ મહેતા કહે છે કે અમે ભરોસાના શિખર ઉપર હંમેશા બેસીએ છીએ. ઈશ્વર સદકાર્યો માટે કોઈને કોઈ મદદ કરવા હંમેશા દોડી આવે છે. તેનો અહેસાસ અમે સતત અનુભવ્યો છે. આજે પણ પૂજ્ય મોરારિબાપુ માટે આ હોસ્પિટલ પોતાના રાજીપાનું સ્મિત બિંદુ બની ગઈ છે.તેનો લાભ અહીં આવનાર દરેક દર્દીઓ પ્રાપ્ત કરી રહ્યા છે. પૂજ્ય બાપુએ 2018માં આ હોસ્પિટલના લાભાર્થે સાવરકુંડલામાં એક કથાનું ગાન કરીને રૂપિયા 6- 7 કરોડ એકત્રિત કરી આપ્યા હતાં.મુંબઈમાં થનારા કાર્યક્રમમાં બાપુની ઉપસ્થિતિ એ જ પ્રકારની ઊર્જા પુરી પાડે છે. તાજેતરમાં સાવરકુંડલા ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન બાપુએ કહ્યું કે હું આ સંસ્થા ને શું આપી શકું? આપું તો આપુ મારા કથા ગાનના થોડા શબ્દો!  હું આ સંસ્થા માટે આવતા દિવસોમાં અમેરિકાના વોશિંગ્ટન અથવા શિકાગોમાં કથાનું ગાન કરીને તેનું વધુ ભંડોળ એકત્ર કરવાનો પ્રયાસ કરીશું.બાપુએ આ ભંડોળમાંથી કેળવણી સંસ્થા લોકભારતીને પણ સરખો હિસ્સો આપવાનો મનોરથ જાહેર કર્યો.પરંતુ બાપુ હોસ્પિટલને પ્રાણ આપવા માટે જે દાખડો કરી રહ્યા છે,તે કાબિલે દાદ કહેવાય. કારણ કે તેઓને એહસાસ કરાવવો છે કે આજે પણ આ પ્રકારનું કામ થઈ શકે તેનું ઉદાહરણ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર છે!

           આવો, આપણે આરોગ્ય મંદિરના શ્રેય,ધ્યેય અને પેય માટે સાથે જોડાઈ જઈએ.હું યથાયોગ્ય સહયોગ કરીને આ સંસ્થાનું દિવેલ બનતો રહીશ.

તખુભાઈ સાંડસુર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *