Jamnagar,તા.01
જામનગરને કર્મભૂમિ બનાવનાર વૈદ્ય-પ્રોફેસર-ડોક્ટર વી.ડી.શુક્લ સાયબના અનુભૂત જ્ઞાનસભર ભવ્ય અને દિવ્ય જીવન વિષે જે જાણતા હોય તે મહાનિબંધ લખી શકે તેવા શાસ્રજ્ઞ હોઇ જ્ઞાનાગ્નિ અને વટવૃક્ષ સમાન શિતળતાના સમન્વય સમાન શ્રી શુક્લ સાયબ આયુર્વેદ જે ને પાંચમો વેદ પણ કહે છે તેમના સાધક રહ્યા અને અનેક જીજ્ઞાસુઓ માટે તેમજ આતુરો માટે સમાધાન અને શમન આપતા રહ્યા હતા હજુય એ માની શકાતુ નથી કે પ્રો.વી.ડી.શુક્લ સાયબ આ લોક પર નથી…..કેમકે તેઓનો સ્પર્શ થાય ત્યારે અનુભવ થાય કે તેઓના રૂધીરાભિસરણ તંત્રમાં પરમ પાવની સરિતા વહેતી હતી જે અનંત મહાસાગરમાં સમાઇ ગઇ. શાસ્રો કહે છે કે ઉત્પતિ-સ્થિતિ-લય અમુક વખતે વિસ્મય કારક હોય છે તે વિસ્મયની પહેલે પાર એક એવો ધબકાર હોય છે એક એવો લય હોય છે જે પરમતત્વના પરમ આશિર્વાદ સમાન હોય છે,ડોક્ટર વી.ડી.શુક્લ સાયબના પરીવાર તો ખરાજ પરંતુ સંપર્કમાં આવનાર દરેક આ ધબકારના સાક્ષી રહ્યા છે શાસ્રજ્ઞ કોઇપણ વયમાં થવાય બસ તેની અનુભવ સિદ્ધ જ્ઞાન પચાવવાની શક્તિ જોઇએ ,ડો.શુક્લ સાયબમાં તો તે વારસામાં હતુ કે શાશ્ર્વત જ્ઞાનાનુભુતિ જીવનને ધન્ય કરે છે અને તેઓ જીવન ધન્ય કરવાની સાથે અનેકના જીવનમાં આદરભર્યુ સ્થાન પામી ગયા છે લૌકિક જીવનમાં અગણિત લોકોને કોઇ પુછે કે વર્ષ ૨૦૨૪ની વસમી ઘડી કઇ કઇ….રહી….?? તો વૈદ્ય શ્રી શુક્લસાયબની વિદાયની વાત ચોક્કસ આવતી જ રહેશે
તેઓના પુત્ર રત્ન(રત્ન સમાન છે માટે પુત્ર રત્ન) ડો.વિવેક શુક્લ એ આયુર્વેદને પચાવ્યુ છે અને હજુય ચિંતન-મનન-અનુભવથી નિત્ય નવનીત પ્રાપ્ત થાય એ જનસમુદાય માટે વહેંચતા રહે છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા આયુર્વેદ અધીકારી શ્રી વી.વી.શુક્લએ યુવાન વયના પરીપક્વ ચિકિત્સક છે જે આતુરોની દરેક વ્યાધીઓના શમન જાણે છે અને આપણા ભવ્ય વારસા સમાન શાસ્રને તેઓના પિતાશ્રી વી.ડી.શુક્લ સાયબના નિત્ય આશિર્વાદથી મુલ્યસભર સાચવણી કરી રહ્યા છે
૧-૬-૧૯૪૯ ના જન્મેલ પ્રોફેસર ડો. વી. ડી. શુકલએ જામનગરને તેમની કર્મભૂમિ બનાવેલ, તેઓએ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં ૧૯૬૫ માં વિદ્યાર્થી તરીકે શરૂઆત કરેલ. આયુર્વેદ માં બી.એસ.એ.એમ., એમ.એસ.એ.એમ. અને શિક્ષણ જગતની સર્વોચ્ચ ઉપાધિ પી.એચ.ડી પ્રાપ્ત કરી. ૧૯૬૮ માં યુનિવર્સિટી સ્તરે તેઓ એથલેટીકસ ક્ષેત્રે સ્થાપિત કરેલ રેકર્ડ આજ દિવસ સુધી અખંડ છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક દેશ-વિદેશના વિદ્યાર્થીઓ એમ.ડી. અને પી.એચ.ડી થયા. વહીવટી ક્ષેત્રે તેઓ આયુર્વેદ યુનિવર્સિટી ના સેનેટ મેમ્બર- ઇન્ચાર્જ ડીન ડાયરેકટર, વી.એમ.સી મેમ્બર, વિવિધ રાજયના લોક સેવા આયોગ, સંધ લોક સેવા આયોગ જેવી પ્રતિષ્ઠીત સંસ્થાઓમાં કામગીરી કરેલ. આયુર્વેદના પ્રચાર-પ્રસાર અર્થે તેઓ ઓલ ઇન્ડિયા રેડીયો, ટી.વી. ચેનલોમાં વક્તવ્યો આપ્યા. તેમના દ્વારા આયુર્વેદ ક્ષેત્રે લખવામાં આવેલ પુસ્તક ખુબ પ્રચલિત થયેલ. તેમને કુલ ૧૮૨ શોધ પત્ર પ્રકાશિત કર્યા. ભારતીય નૌ સેના, ભારતીય થળ સેના ખાતે માનદ સેવા આપેલ. ૨૦૦૧ માં વિશ્વની સૌથી ઉચી 32 ફુટની શેરડી ઉગાડીને તેઓ ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં જગ્યા બનાવેલ. આયુર્વેદ ના નિષ્ણાંત હોવાથી વનસ્પતિ પ્રત્યે લાગણી ના લીધે શેરડી પછી ૨૫ ફૂટ ની મહેંદી ઉગાડી હતી. તેઓ સરલ હતા અને કુશળ ચિકિત્સક તરીકે ઓળખવામાં આવતા. યુનિવર્સિટી માં એક આદર્શ ગુરુ તરીકે તેમની છાપ હતી. શોધ બાબતે આર્યભટ્ટ સન્માન પ્રાપ્ત કરેલ. કામગીરી અન્વયે પ્રાઇડ ઓફ ઇન્ડીયાનું સન્માન પ્રાપ્ત કરેલ. આયુર્વેદ ક્ષેત્રે ઉમદા કારકિર્દી કરી તેઓ ૨૮-૧૨-૨૦૨૪ ના જગતથી વિદાઈ લીધી. તેમની ચિરવિદાય થી દેશ-વિદેશ ના તેમના વિધાર્થીઓ-દર્દીઓ મા શોક ની લાગણી છે. તેમની વિદાયથી થયેલ ખોટ પૂર્ણ નહી થઇ શકે.હા આ ખાલીપો ભરવો હોય તો નામ સ્મરણ અને જનસેવા બંને ને જીવનનો ધબકાર બનાવવો જોઇએ તો શ્રી વી.ડી.શુક્લ સાયબ હંમેશા સાથે હોવાની અનુભૂતિ થયા વગર રહેશે નહી