Washington,તા.21
અમેરિકામાં પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધાના એક કલાકમાંજ મેકસીકો સાથેની સરહદો સીલ કરાવી તેઓ ગેરકાનુની રીતે ઘુસતા વિદેશીઓ સામે તેમના વચન મુજબ આક્રમક પગલા લેવા જઈ રહ્યા છે તેવો સ્પષ્ટ સંકેત આપી દક્ષિણ સરહદ પર લશ્કરી ઈમરજન્સી લાદી દીધી હતી તો અગાઉ જ આપેલી ધમકી મુજબ પાડોશી દેશ કેનેડાથી થતી આયાત પર 25% વધારાની આયાત જકાત લાદીને ટ્રેડ વોર પણ છેડી છે.
અમેરિકામાં આંતરિક રીતે અત્યંત અસર થશે તેવા એક નિર્ણયમાં ડોનાલ્ડ ટ્રમ્પે હવે અમેરિકામાં વસેલા ગેરકાનુની વસાહતીઓ માટે જે બર્થરાઈટ-સીટીઝનશીપ-અમેરિકામાં જન્મ થાય એટલે તેને અમેરિકી નાગરિકત્વનો જે અધિકાર મળી જાય છે તે ખત્મ કરી દીધો છે. આમ હવે અમેરિકામાં વસતા ગેરકાનુની વસાહતીઓને કુટુંબ સહિત દેશ બહાર કરવામાં મોટી સફળતા મળશે.
શ્રી ટ્રમ્પે વૈશ્ર્વિક રીતે અસર કરે તેવા નિર્ણયમાં પેરીસ-કલાઈમેન્ટ સંધીમાંથી અમેરિકાને બહાર કરી દીધુ છે તો બીજી તરફ વિશ્ર્વ આરોગ્ય સંસ્થામાંથી પણ અમેરિકાનું સભ્યપદ પાછું ખેંચી લેતા તેના ફંડીંગ પર જવાની અસર થશે. શ્રી ટ્રમ્પ શપથવિધિ સાથે જ પ્રેસીડેન્ટ આવાસમાં ઓવેલ ઓફીસ પહોંચી ગયા હતા અને અહી 100 જેટલી ફાઈલો અગાઉથી જ તૈયાર હતી જેના પર ધડાધડ એકઝીકયુટીવ ઓર્ડર પર સહીઓ કરવાનુ શરૂ કરી દીધુ છે.
શ્રી ટ્રમ્પે ગેરકાનુની વસાહતીઓ અને તેના કુટુંબીજનો સામે જંગ છેડી દેવા જેવી સ્થિતિ બનાવી છે. અમેરિકામાં ઘૂસણખોરી માટે સૌથી સરળ ગણાતી અમેરિકા મેકસીકો જમીન તથા જળ સરહદો પર લશ્કરી ઈમરજન્સી જાહેર કરી આ સરહદો સીલ કરવા આદેશ આપી દીધો છે.
આ ઉપરાંત અમેરિકા વિશ્ર્વના નાર્કોટીક બીઝનેસનું સૌથી મોટુ બજાર બની ગયુ છે અને દુનિયાભરમાં માદક દ્રવ્યો અમેરિકામાં ગેરકાનુની રીતે ઘુસાડાય છે. ટ્રમ્પે તેની સાથે જંગ છેડવાની જાહેરાત કરતા નાર્કોટીક ગેંગને ત્રાસવાદી સંગઠન જાહેર કરીને તે હેઠળના કાનૂન મુજબ કામ લેવા જાહેરાત કરી છે.
સૌથી મહત્વનું અમેરિકાના સૌથી મોટા ટ્રેડ પાર્ટનરમાં સ્થાન ધરાવતા કેનેડા અને મેકસીકોથી થતી આયાત પર 25% આયાત જકાત લાદવા જાહેરાત કરી છે જે તા.1 ફેબ્રુઆરીથી લાગુ થશે. ટ્રમ્પે કેનેડાને અમેરિકી વ્યાપાર પદ્ધતિનો સૌથી ખરાબ રીતે ઉપયોગ કરનાર દેશ ગણાવ્યો હતો. આ દેશમાંથી લાખો લોકો અમેરિકામાં ઘુસે છે. આવતા જ રહે છે. તેઓએ કહ્યું કે હું અમેરિકી જનતા પર બોજો વધારવાના બદલે વિદેશી રાષ્ટ્રો પર વેરા અને ટેરીફ વધારવા માંગુ છુ. જેનાથી અમેરિકાના લોકોને લાભ થશે.
તેઓએ અમેરિકા ફસ્ટ ટ્રેડ પોલીસીની જાહેરાત કરી હતી.શ્રી ટ્રમ્પે આ ઉપરાંત અમેરિકામાં થર્ડ જેન્ટર એટલે કે નાન્યતર- (સ્ત્રી કે પુરુષ ન હોય તે) જાતિની માન્યતા રદ કરી હતી. ફકત બે જે સ્ત્રી અથવા પુરુષ એમ બે જ જાતિ હશે. શ્રી ટ્રમ્પે આ ઉપરાંત તેઓએ અગાઉ કરેલી જાહેરાતો મુજબ અગાઉ અમેરિકાના જ કબ્જામાં રહેલી પનામા કેનાલ પર નિયંત્રણ પાછું લાદવા અને તેને અમેરિકી મિલ્કત તરીકે સ્થાપીત કરવા જાહેરાત કરી છે. ટ્રમ્પની આ જાહેરાત સીધી ચીનને અસર કરશે. કારણ કે આ નહેરનું સંચાલન ચીનની કંપની કરે છે. તેઓએ ડાલ્ફ ઓફ મેકસીકોનુ નામ બદલી ગલ્ફ ઓફ અમેરિકા કરવાની જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે ગલ્ફ ઓફ અમેરિકા નામ જ સારૂ લાગે છે.
ટ્રમ્પે ગલ્ફના દેશોને પણ પડકાર કરતા હવે ‘ડ્રીલ-બેબી ડ્રીલ’ યોજના હેઠળ અમેરિકામાં ક્રુડતેલ ઉત્પાદન વધારશે તો ઈ-વાહનો માટે જે ફરજીયાત નિયમો છે તે રદ કરવા અને અમેરિકન ઈચ્છે તે કાર ખરીદી શકે છે. તે નિશ્ર્ચિત કરવા ખાતરી આપી હતી. ટ્રમ્પે મંગળ ગ્રહ પર અમેરિકી અવકાશ યાત્રી જશે તે માટે આયોજન કરવા જાહેરાત કરી છે. શ્રી ટ્રમ્પનું આ ભાષણ અગાઉના તમામ પ્રમુખો કરતા લગભગ ડબલ 30 મીનીટનું રહ્યું હતું. અમેરિકનો સુવર્ણકાળ આજથી જ શરૂ થવાનો દાવો કર્યો હતો. તેમના વકતવ્ય સમયે અનેક વખત હોલમાં તાળીઓના ગડગડાટ જોવા મળ્યા હતા. અનેક વખત તમામ સેલીબ્રીટ શ્રોતાઓ ઉભા થઈને સન્માન આપ્યુ હતું અને ખંડ બહાર ખાસ હોલમાં જીવંત પ્રસારણ સમયે લોકો ટ્રમ્પને વધાવતા ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
ટ્રમ્પ ઈફેકટ: શેરબજારમાં મંદી;સોનુ ઉછળ્યુ
સેન્સેકસમાં ગ્રીન ઝોનમાં શરૂઆત બાદ 500 પોઈન્ટનું ગાબડુ
અમેરિકામાં પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પ સતારૂઢ થતાની સાથે જ ધડાધડ નિર્ણયો લેવા માંગતા દુનિયાભરના નાણા માર્કેટોમાં ઈફેકટ વર્તાય છે. ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ હતો જયારે સોના-ચાંદી તથા ક્રિપ્ટો કરન્સીમાં તેજી હતી.
અમેરિકામાં ટ્રમ્પના શાસનમાં ટ્રેડવોરની આશંકા હળવી થતાં માનસ પ્રોત્સાહક બન્યા બાદ ડયુટી લાદવા જેવા કેટલાંક નિર્ણયોથી માહોલ બદલાયો હતો અને મંદીનો વળાંક આવી ગયો હતો. વિદેશી નાણા સંસ્થાઓની વેચવાલીનો પણ પ્રત્યાઘાત હતો. જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે ટ્રમ્પના ધડાધડ નિર્ણયોની તાત્કાલીક અસર મંદીની થઈ છે છતા આ નિર્ણયોની વૈશ્ર્વીક વેપાર મોરચે અસર થાય તો કેવી રહેશે તે વિશે ચિત્ર સ્પષ્ટ થતા માર્કેટમાં ટ્રેન્ડ સ્પષ્ટ થશે જોકે ભારતીય માર્કેટમાં લાંબા વખતની અસર તો આગામી બજેટ આધારીત જ રહેવાની સંભાવના છે.
શેરબજારમાં આજે મોટાભાગનાં શેરોમાં ઘટાડો હતો. અદાણી પોર્ટ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, મહિન્દ્ર, મારૂતી, એનટીપીસી પાવર ગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેન્ક જેવા શેરોમાં ઘટાડો હતો.ઈન્ફોસીસ, ટાટા મોટર્સ, ટીસીએસ, લ્ટ્રાટ્રેક સીમેન્ટ, ભારત પેટ્રોલીયમ એપોલો ટાયર્સ જેવા શેરો ઉંચકાયા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 482 પોઈન્ટ ગબડવાથી 76590 થયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 112 પોઈન્ટના ગાબડાથી 23232 હતો.. બીજી તરફ સોના-ચાંદી ઉંચકાયા હતા સોનુ 375 રૂપિયા ઉંચકાઈને 78921 હતું ચાંદી 725 રૂપિયા વધીને 92165 હતી.
કાગડા બધેય કાળા, વ્હાઈટ હાઉસમાં પણ!
શપથ પૂર્વે પાદરી સીવેલની ‘ભકિત’થી વિવાદ: ટ્રમ્પની તુલના માર્ટીન લ્યુથર કિંગ જૂનિયર સાથે કરી નાખી!
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પનો શપથગ્રહણ સમારોહ અનેક રીતે ખાસ રહ્યો છે. દરમિયાન મિશીગનના એક પાદરીએ ટ્રમ્પ માટે ઉદઘાટન પ્રાર્થના કરી હતી. જેને લઈને વિવાદ છેડાયો છે, ખરેખર તો પાદરી લોરેંજો સીવેલે પ્રાર્થના દરમિયાન મહાન નાગરિક અધિકાર કાર્યકર્તા માર્ટીન લ્યુથર કિંગ જૂનિયરના ઐતિહાસિક ભાષણની પંકિતઓ ‘આઝાદી કી ગૂંજ’ અને ‘બધા અમેરિકી અંતમાં આઝાદ થશે’ને પણ પ્રાર્થનામાં સામેલ કરી હતી. રસપ્રદ બાબત એ છે કે સોમવારે રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ સમારોહ અને માર્ટીન લ્યુથર કિંગ દિવસ એક સાથે આવ્યા અને આવું ત્રીજીવાર થયું. રાષ્ટ્રપતિ બિલ કલીન્ટન અને બરાક ઓબામાના શપથ ગ્રહણ સમારોહ પણ માર્ટિન લ્યુથર કિંગ દિવસે જ યોજાયો હતો.
જોકે ટ્રમ્પના શપથ ગ્રહણ પર થયેલી પ્રાર્થનામાં માર્ટિન લ્યુથર કિંગના ભાષણનો ઉલ્લેખ અને ટ્રમ્પ સાથે તેની તુલના કેટલાક લોકોને ગમી નહોતી અને નારાજગી જાહેર કરી હતી. અટલાન્ટામાં કિંગ સેન્ટરના વિલિયમ બાર્બર તૃતીયે આલોચના કરી છે. માર્ટીન લ્યુથર કિંગના પરિવારે પણ કહ્યું છે કે તેઓ માર્ટિન લ્યુથર કિંગ દિવસ અને ટ્રમ્પના શપથગ્રહણ એક દિવસે હોવાથી પરેશાન છે. જો કે ટ્રમ્પે પોતાના ભાષણમાં અશ્ર્વેત સમુદાયના વિકાસ માટે કામ કરવાની વાત કરી હતી અને ભેદભાવ ખતમ કરવાનો વાયદો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 43 વર્ષીય સીવેલ છેલ્લા 7 વર્ષથી ડેટ્રોઈટના પશ્ર્ચિમી સ્થિત ચર્ચના પાદરી છે તેમને ટ્રમ્પના કટ્ટર સમર્થક માનવામાં આવે છે.
પત્નિ મેલેનિયાની ‘ઓવર સાઈઝ હેટ’ને કારણે ટ્રમ્પ ‘કીસ’ ન કરી શકયા:મસ્કનો અલગ અંદાજ: અમેરિકાનાં 47 માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરનારા ડોનાલ્ડ ટ્રમ્પે આવતાવેંત ધડાધડ ઢગલાબંધ નિર્ણયો લીધા હતા. અનેકવિધ નિર્ણયો પર સહી કરીને મીડીયા સમક્ષ ઓર્ડરની નકલ રજુ કરી હતી. શપથ સમારોહમાં દુનિયાભરમાંથી રાજકીય ઉદ્યોગ માંધાતાઓ હાજર હતા. શપથ સમારોહમાં રસપ્રદ ઘટનાક્રમ પણ સર્જાયો હતો. રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પ પત્નિ મેલેનિયાને કીસ કરવા આગળ વધ્યા હતા પરંતુ મેલેનિયાની ‘ઓવર સાઈઝ હેટ’અવરોધક બની હતી અને માત્ર હવામાં જ કીસ થઈ શકી હતી. શપથ સમારોહમાં ટ્રમ્પની જીતમાં મોટી ભૂમિકા ભજવનાર ઉદ્યોગ માંધાતા એલન મસ્ક પણ ડાન્સ કરતા અલગ જ અંદાજમાં નજરે ચડયા હતા અને ટ્રમ્પ પણ જોતા રહી ગયા હતા.